Saras Mela 2025: અંજનાબેન પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી મેળવી રહ્યાં છે વાર્ષિક રૂ.૯.૫૦ લાખની આવક..

Saras Mela 2025:સુરત સરસ મેળામાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાકોનું વેચાણ કરવા આવેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાટડી ગામના મહિલા ખેડૂત અંજનાબેન વસાવા છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેઓ પ્રગતિ સેવા સહાય જૂથ નામથી સખી મંડળ ચલાવે છે અને મંડળની બહેનો અને ગ્રામજનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યાં છે.

News Continuous Bureau | Mumbai

Saras Mela 2025: ખેતી એ એવો વ્યવસાય છે જેમાં મોટાભાગે મહિલાઓ પોતાના ભાઇ, પિતા કે પતિને મદદરૂપ બને છે. જાતે ખેતી કરનાર અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવનાર મહિલાઓ ખૂબ ઓછી છે. ત્યારે સુરત સરસ મેળામાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાકોનું વેચાણ કરવા આવેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાટડી ગામના મહિલા ખેડૂત અંજનાબેન વસાવા છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેઓ પ્રગતિ સેવા સહાય જૂથ નામથી સખી મંડળ ચલાવે છે અને મંડળની બહેનો અને ગ્રામજનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યાં છે. આ બહેનો સાથે મળીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા પાકોનું વેચાણ કરીને આત્મનિર્ભર બન્યા છે.

અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ જયારે તેમણે ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ ઝુકાવ થયો. હાલમાં હું પતિ સહિત પરિવારના અન્ય સભ્યો સાથે સાત એકરમાં પ્રાકૃતિક ખેતી કરૂ છું. સાથે જ, આજુબાજુની મહિલાઓને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરીને દસ સભ્યોનું સખી મંડળ બનાવ્યું છે, જે તમામ બહેનો પણ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.

‘મારા ખેતરમાં એકસાથે ૨૦ થી ૨૫ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી કરીએ છીએ. ફળોની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ અને સીતાફળ, જ્યારે અનાજમાં જુવાર, બાજરી, મકાઈ અને ચોખાના પાકો છે. ઉપરાંત, તુવેર, મગ, ચણા, ચોળી અને અડદ જેવા કઠોળ પાક પણ ઉગાડીએ છીએ. આ ખેતીના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે, અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી પાકનું ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

અંજનાબેન કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

તેમણે વધુમાં કહ્યું છે કે, પ્રાકૃતિક એટલે સંપૂર્ણપણે પ્રાકૃતિક જ ખેતી કરવી એવો અમારો નિર્ધાર છે. ખેતરમાં જવાનું, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. પ્રાકૃતિક ખેતીની સાથે વર્મી કંપોસ્ટ ખાતર પણ જાતે બનાવીએ છીએ. રસાયણ વિનાની પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન પણ કરીએ છીએ એના છાણમાંથી જ ખાતર બનાવી ઉપયોગ કરીએ છીએ.

 અંતે તેમણે કહ્યું કે,આવી રીતે પ્રથમ વખત સરસ મેળામાં વેચાણ કરવા માટે આવ્યાં છીએ, જેમાં સારો પ્રતિસાદ મળ્યો, એક દિવસ ૮ થી ૧૦ હજારનું વેચાણ થઇ રહ્યું છે. સરકારના આભારી છીએ કે અમે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવા બજાર અને માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

મહિલા ખેડૂતના પતિ ફતેસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આવક બમણી થઈ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા વર્ષે લગભગ રૂ.૩.૫૦ લાખનો ચોખ્ખો નફો મળે છે, જ્યારે પશુપાલન વ્યવસાયથી રૂ.૫ લાખની વધારાની આવક પ્રાપ્ત થાય છે. આ રીતે, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી દ્વારા સંયુક્ત રીતે વર્ષમાં કુલ રૂ.૯.૫૦ લાખની આવક મેળવી રહ્યા છે. તેથી, તમામ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ, જેથી ખર્ચ ઘટાડીને વધુ નફાકારક ખેતી કરી શકાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version