Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો

ગુજરાત-રાજસ્થાન જેવા રાજ્યોની સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા :- પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા

Vibrant Gujarat Pre-Navratri Festival 2025 in Udaipur Gujarati & Mewari Culture Showcase (4)

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ ૨૦૨૫માં સંસ્કૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.

Vibrant Gujarat Pre-Navratri Festival 2025 in Udaipur Gujarati & Mewari Culture Showcase (4)


ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત આ પ્રકારના પ્રથમ-અનોખા કાર્યક્રમનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાના હસ્તે તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ પંજાબના રાજ્યપાલ-ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુર, જેને તળાવોની નગરી કહેવામાં આવે છે, અને ગુજરાત, જેને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે, બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.

શ્રી કટારિયાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારના આયોજનો દ્વારા કલાકારોના માધ્યમથી બંને રાજ્યોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારતની તાકાત તેની વિવિધતા અને સંસ્કૃતિમાં છે. આ વિવિધતા જ આપણને દુનિયાના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે. ગુજરાત હોય કે રાજસ્થાન, આપણા તહેવારો, આપણી નૃત્ય પરંપરાઓ, લોકગીતો, ખાવા-પીવાનું અને શિલ્પકલા, આખી દુનિયાને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવે છે. ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ એ જ કડીનો ભાગ છે, જે સંદેશ આપે છે કે પ્રવાસન માત્ર આર્થિક જ નહિ, પરંતુ સાંસ્કૃતિક એકતાનું માધ્યમ પણ છે.

ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આજના આ આયોજનમાં ગુજરાતના ભોજનનો સ્વાદ પણ છે અને પરંપરાગત ગરબાની ઝલક પણ. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.

આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયા ચોળી અને કેડીયુ તથા ચોરણા ધારણ કર્યા, તો કેટલાક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધુન પર થનગનતા પગ એક ભારત-શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ચુન્નીલાલ ગરાસિયા, શહેરના ધારાસભ્ય શ્રી તારાચંદ જૈન, ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશી, ભૂતપૂર્વ મંત્રી હરીશ રાજાણી, સમાજસેવી ગજપાલ સિંહ વગેરે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

લોક સંસ્કૃતિએ રંગ જમાવ્યો

ઉત્સવના શુભારંભ સાથે જ લોકસંસ્કૃતિની રંગત છવાઈ ગઈ હતી. પ્રારંભમાં આકર્ષક પરંપરાગત ગુજરાતી લોક પ્રદર્શન યોજાયું. તેમાં તલવાર રાસ, ગોફ ગુંથણ અને મણિયારો રાસની રજૂઆતોએ મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર બાદ રાજસ્થાનના આત્મા સમુ ઘૂમર નૃત્ય શરૂ થયું, તેમાં જાણે કે આખું સંકુલ જ સાંસ્કૃતિક સમાગમનું પ્રતિબિંબ બની ગયું. મનમોહક રજૂઆત પછી, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલે ગુજરાતના પરંપરાગત લોકગીતોની એકથી એક ચડિયાતી રજૂઆતો આપી સૌને જાણે મોહિત કરી દીધા.

ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી

આયોજન દરમિયાન ગુજરાતી ગરબાની સાથે પરંપરાગત ગુજરાતી વ્યંજનોના પણ સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. તેમાં ખેલૈયાઓએ ગુજરાતના સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજનો ખમણ-ઢોકળા, ફાફડા સહિત અનેક પ્રકારની વાનગીઓની લિજ્જત માણવાની તક પણ મળી હતી.

જનક દેસાઈ

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version