News Continuous Bureau | Mumbai
- આદિ કર્મયોગી અભિયાન’ અંતર્ગત આદિવાસી ગામોમાં ‘આદિ સેવા કેન્દ્ર’ સ્થાપિત કરાયા
Adi Karmyogi Abhiyan મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિના નેતૃત્વમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારના ૪,૨૪૫ ગામોમાં ‘આદિ સેવા પર્વ’ની ઉજવણી કરવામાં આવી છે.
આ ઉજવણી અંતર્ગત દરેક આદિવાસી ગામોમાં આદિજાતિ વિકાસ વિભાગ અને લાઈન ડિપાર્ટમેન્ટ જેવા કે આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, વન- પર્યાવરણ , મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સેનિટેશન વગેરે વિભાગના કર્મચારી અને અધિકારીઓ સાથે મળીને આદિવાસી ગામડાઓમાં જઈને ગામજનોની સાથે મળીને ‘વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમ, ગુજરાત આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી ગાંધીનગરના ડાયરેકટર ડૉ.સી.સી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “વાસ્તવિક ભારત તેના ગામડાઓમાં જોવા મળે છે.” ગાંધી જયંતિ એટલે કે તા.૦૨ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ આ અભિયાન અંતર્ગત આદિવાસી ગામોમાં ‘મહા ગ્રામસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘મહા ગ્રામસભા’માં સરકારી અધિકારીઓ અને ગ્રામીણ લોકો ઉપસ્થિત રહીને તેમણે તૈયાર કરેલા વિલેજ એકશન પ્લાન અને વિલેજ વિઝન-૨૦૩૦ને મંજૂરી આપશે અને તે અંગેનો ઠરાવ પણ કરશે.
આ અભિયાન અંતર્ગત દેશમાં ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવામાં આવનાર છે. આ અભિયાનમાં દેશના ૦૧ લાખ આદિવાસી ગામડાઓ, ૩૦૦૦ તાલુકાઓ, ૫૫૦ થી વધુ જિલ્લાઓ અને ૩૦ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓને આ અભિયાનમાં સાંકળવામાં આવ્યા છે.
આ વિલેજ વિઝન બિલ્ડીંગ અંતર્ગત આદિવાસી લોકો સાથે તેમના ગામમાં ટ્રાન્સેકટ વોક-ગામ પદયાત્રા કરીને આદિવાસી ગ્રામજનોની ખેતી, પશુપાલન, વન, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, વીજળી, પાણી, રોજગાર, આવાસ, માળખાગત સુવિધાઓ વગેરે અંગેની જરૂરિયાતો, અપેક્ષાઓ અને સમસ્યાઓ જાણવામાં આવી છે તથા તેનું શું નિરાકરણ હોઈ શકે તે ગામ લોકો સાથે જ ચર્ચા-વિચારણા કરી વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
હાલમાં ગ્રામીણ સહભાગી ચકાસણી (PRA) દ્વારા આદિવાસી ગામડાઓમાં કયા કયા સામાજિક સંસાધનો અને સ્ત્રોતો ઉપલબ્ધ છે, તેની કેવી સ્થિતિમાં છે અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે, તેની માપણી કરીને ‘સામાજિક સંસાધન મેપ’ બનાવવામાં આવ્યા છે. તેનો આધાર લઈને સરકારી અધિકારીશ્રીઓ અને આદિવાસી ગ્રામજનો સાથે વિચાર-વિમર્શ કરીને વિલેજ એકશન પ્લાન તૈયાર થયા છે. આદિવાસી લોકો આવતા પાંચ વર્ષમાં પોતાનું ગામ કેવું જોવા માંગે છે તે અંગેનું વિલેજ વિઝન-૨૦૩૦ તૈયાર કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત આદિવાસી ગામોમાં એક ‘આદિ સેવા કેન્દ્ર’ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ આદિ સેવા કેન્દ્ર પર જઈને ગ્રામીણ આદિવાસી લોકો સ્થાનિક સ્તરે પોતાની સમસ્યાઓ, મુશ્કેલીઓ, અપેક્ષાઓ અને જરૂરિયાતો જણાવી શકશે. તેઓ યોજનાઓ અંગેની જાણકારી મેળવી શકશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે, અરજી કર્યા બાદ તેની સ્થિતિ જાણી શકશે, લાભ ન મળે તો ફરિયાદ પણ કરી શકશે વગેરે સેવાઓ આ કેન્દ્ર પરથી ઉપલબ્ધ થશે. હવે, આ સેવાઓ મેળવવા માટે તેમણે જિલ્લા કે તાલુકા કક્ષાએ જરૂર પડતું હતું તે હવે તેમને ગ્રામીણ કક્ષાએ આદિ સેવા કેન્દ્ર પરથી પ્રાપ્ત થશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીના સર્વાંગી ગ્રામ વિકાસ અને આદિવાસી કલ્યાણના ઉદ્દેશને આગળ વધારતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૨૩માં ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN)’ અને વર્ષ-૨૦૨૪માં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)’ શરૂ કર્યું છે. વર્ષ-૨૦૨૫માં સમગ્ર દેશ અને ગુજરાતમાં “આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ”નો શુભારંભ કરાવ્યો છે. આ અભિયાનનો હેતુ સેવા, સમર્પણ અને સંકલ્પની ભાવના દ્વારા આદિવાસીઓમાં ક્ષમતા નિર્માણ, નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને સ્પોન્સિવ ગવર્નન્સને સ્થાપિત કરવાનો છે. આદિ કર્મયોગી અભિયાન એ વડાપ્રધાનશ્રીના સર્વાંગી ગ્રામીણ વિકાસ અને આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા, દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે.
તા. ૨ ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ. મહાત્મા ગાંધીજીએ ૧૮ રચનાત્મક કાર્યક્રમો અને ૧૧ એકાદશી વ્રતો આપીને ભારત દેશને વિચારોનો અમૂલ્ય વારસો આપ્યો છે. આ ૧૮ રચનાત્મક કાર્યક્રમોમાં સર્વાંગી ગ્રામીણ વિકાસ અને આદિવાસી કલ્યાણની બાબત પણ સમાયેલી છે. ગાંધીજીએ દેશના ગામડાઓને રાષ્ટ્રીય જીવનના પાયા તરીકે જોયા અને એક વિકેન્દ્રિત આત્મનિર્ભર મોડલનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં માનવ ગૌરવ, ટકાવપણું અને સ્થાનિક શાસનને પ્રાથમિકતા આપી છે. તેમના મુખ્ય સિદ્ધાંત અને દ્રષ્ટિકોણમાં ગ્રામ સ્વરાજ, સર્વોદય, ટ્રસ્ટીશિપ, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વચ્છતા, ગ્રામ ઉદ્યોગ, અહિંસા, ખાદી, સમાનતા, સામાજિક સુધારા અને પરિવર્તન, વિકેન્દ્રિત વ્યવસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.