ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રના રાજકરણમાં એક સમયે મોટું નામ ગણાતા વિનોદ તાવડે અમુક કારણથી સાઈડલાઈન થઈ ગયા હતા. હવે જોકે ભાજપે ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂકયો છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને પક્ષના જનરલ સેક્રેટરી પદે નીમીને તેમના ખભા પર મોટી જવાબદારી નાખી છે.
પોતાની રાજકીય કારકિર્દી આરંભ તેમણે આરઆરએસ સંચાલિત વિદ્યાર્થીઓની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી ચાલુ કરી હતી. વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે એબીવીપીનું તેમણે નેતૃત્વ સંભાળ્યું હતું. લોકસભાની 12 અને 13મી ચૂંટણીમાં મહત્ત્વની જવાબદારી સંભાળ્યા બાદ હવે વિનોદ તાવડેને રાષ્ટ્રીય સ્તરની પક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રના રાજકરણમાં વિનોદ તાવડે એક સમયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજકીય હરીફ ગણાતા હતા. આગામી સમયમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પાંચ રાજયોની ચૂંટણીને જોતા ભાજપે પક્ષમા મોટા ફેરફાર કર્યા છે. જેમાં પક્ષમાં અગાઉના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય મંત્રી બનાવતા તેમનું પદ ખાલી થતાં વિનોદ તાવડેને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
સ્વર્ગીય પ્રમોદ મહાજન બાદ મહારાષ્ટ્રના નેતાને જનરલ સેક્રેટરીની જવાબદારી પહેલી વખત જ મળી છે. વિનોદ તાવડેની નિમણૂકથી તેમને રાષ્ટ્રીય રાજકરણમાં મોટી જવાબદારી મળી છે. લગભગ વર્ષેક પહેલા જ તેમને પક્ષમાં સેક્રેટરીનું પદ સોંપવામાં આવ્યું હતું. એ સાથે જ તેમના પર ભાજપ શાસિત હરિયાણા રાજયના પ્રભારી તેમ જ પ્રધાનમંત્રી કાર્યાલયના મનકી બાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાને લગતી જવાબદારી પણ તેમના પર હતી.
વિનોદ તાવડેએ 1980થી 1995 સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં (એબીવીપી) કામ કર્યું હતું. 1985થી 1995 એમ દસ વર્ષ સુધી તેઓ એબીવીપીના ફૂલ ટાઈમ પ્રચારક રહ્યા હતા. 1995થી તેઓ ભારતી જનતા પાર્ટીમાં સક્રિય થયા હતા. ત્યારથી અત્યાર સુધી તેઓ મહારાષ્ટ્ર પ્રદેશના જનરલ સેક્રેટરી, મુંબઈ અધ્યક્ષ પદ પર કામ કરી ચૂકયા છે.
વિધાન પરિષદમાં 13 વર્ષ સભ્ય રહ્યા હતા. વિધાન પરિષદમાં 2011 અને 2014માં વિરોધી નેતા રહી ચૂકયા છે. 2014માં બોરિવલી વિધાનસભા મતદાર સંઘમાંથી 80,000 થી વધુ મતથી ચૂંટાઈ આવ્યા હતા. 2014થી 2019 સુધી તેઓ ફડણવીસની સરકારમાં શિક્ષણ પ્રધાન રહી ચૂકયા છે. શિક્ષણ, યુવક કલ્યાણ અને ક્રિડા, ઉચ્ચ અને તંત્રશિક્ષણ, મરાઠી ભાષા, સાંસ્કૃતિક, વૈદ્યકીય શિક્ષણ, અલ્પસંખ્યક વિભાગ, સંસદીય કાર્ય જેવા જુદા જુદા વિભાગમાં પ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી.
2019માં તેમને જોકે વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નહોતી. અંદરખાનેથી તેઓ પક્ષના આ નિર્ણય સામે નારાજ હોવાનું માનવામાં આવતું હતું. છતાંય તેમણે પક્ષ માટે કામ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. કોરોના કાળમાં પણ પક્ષે સોંપેલી જવાબદારી તેમણે પાર પાડી હતી. તેમના સંયમ અને શિસ્તને કારણે પક્ષે તેમને કેન્દ્રીય નેતૃત્વની જવાબદારી સોંપી હોવાનું માનવામાં આવે છે.
હવે રાષ્ટ્રીય રાજકરણમાં તેમને મોટી તક આપવામાં આવી છે. વિનોદ તાવડેને રાજકરણમાં 25 વર્ષની કારકીર્દી અને 15 વર્ષના સામાજિક કાર્યને જોતા તેમને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ અચૂક રીતે પાર પાડશે એવું પક્ષના અગ્રણી નેતાઓનું કહેવું છે.
