News Continuous Bureau | Mumbai
Jaishankar Finland Address ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીના વ્યૂહાત્મક ઉર્જા નિર્ણયોનો મજબૂતપણે બચાવ કર્યો છે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બાબતે પશ્ચિમી દેશો દ્વારા કરવામાં આવતી આલોચનાઓ અને તેમના બેવડા વલણ પર આકરા પ્રહારો કર્યા છે. ફિનલેન્ડમાં ‘ઉભરતી શક્તિઓ અને નવી ભૌગોલિક રાજકીય સ્પર્ધા’ વિષય પર યોજાયેલી ‘Kultaranta Talks’ દરમિયાન તેમણે પશ્ચિમી દેશોની કૂટનીતિના વિરોધાભાસોને ખુલ્લા પાડ્યા હતા. આ ચર્ચા દરમિયાન એક પત્રકારે રશિયાયુક્રેન સંઘર્ષ પર ભારત વલણ અંગે સવાલ ઉઠાવીને ભારત પર રશિયા તરફ વધુ પડતી સહાનુભૂતિ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો જયશંકરે સણસણતો જવાબ આપ્યો હતો.
Jaishankar Finland Address – પરિસ્થિતિએ અમને રશિયા તરફ વાળ્યા, યુરોપ અમારા પરંપરાગત સપ્લાયર્સ પાસેથી ઓઈલ ખરીદતું હતું
પશ્ચિમી મીડિયાની ટીકાઓનો જડબાતોડ જવાબ આપતા વિદેશ મંત્રીએ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે ભારતના વ્યવહારિક દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો હતો. જયશંકરે જણાવ્યું હતું કે, “હું કિંમત અને ઉપલબ્ધતાના આધારે તેલ ખરીદું છું. તે સમયે બજારમાં મોટાભાગનું તેલ રશિયાનું જ ઉપલબ્ધ હતું કારણ કે યુરોપિયન દેશો મુખ્યત્વે મિડલ ઈસ્ટ (Middle East) માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે ભારતનો પરંપરાગત સપ્લાયર હતો. યુરોપના આ પગલાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ જ આપણને એક ચોક્કસ દિશામાં આગળ વધવા માટે મજબૂર કર્યા હતા.”
Jaishankar Finland Address – કોઈ ભારતીય હથિયારથી યુરોપ પર હુમલો નથી થયો, પણ યુરોપના હથિયારો ભારત વિરૂદ્ધ વપરાય છે
વૈશ્વિક સુરક્ષાના મામલામાં યુરોપના બેવડા ધોરણો પર આકરા પ્રહાર કરતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “કોઈપણ યુરોપિયન દેશ પર ક્યારેય ભારતીય હથિયારોથી હુમલો થયો નથી. કાશ, હું ભારતના સંદર્ભમાં યુરોપના હથિયારો વિશે પણ આ જ વાત કહી શક્યો હોત.” જ્યારે આ નિવેદનને વધુ સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે પશ્ચિમી દેશો દ્વારા પાકિસ્તાન જેવા દેશોને કરાતી હથિયારોની સપ્લાય અંગે ભારતની ચિંતા દોહરાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુરોપ એવા હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત પર હુમલા કરવા માટે થાય છે, અને આ કોઈ અત્યારની વાત નથી પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અમે ભારતીયોએ ક્યારેય યુરોપ માટે કોઈ ખતરો પેદા કર્યો નથી.
Jaishankar Finland Address – અમેરિકાએ પોતે વૈશ્વિક મોંઘવારી રોકવા ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું
પોતાની યુરોપ મુલાકાત દરમિયાન મજબૂત કૂટનીતિ (Diplomacy) નો પરિચય આપતા એસ. જયશંકરે યાદ અપાવ્યું કે, વર્ષ ૨૦૨૨ માં ખુદ વોશિંગ્ટને સ્વીકાર્યું હતું કે વૈશ્વિક આર્થિક સંતુલન જાળવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. મોસ્કો પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ ઉર્જા બજારમાં સ્થિરતા લાવવા અને વૈશ્વિક મોંઘવારીને રોકવા માટે ખુદ અમેરિકાએ નવી દિલ્હીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. વિદેશ મંત્રીએ પશ્ચિમી દેશોની પ્રતિબંધ નીતિઓ પર સવાલ ઉઠાવતા આવી જટિલ વૈશ્વિક વેપાર અને ઉર્જા સુરક્ષાની બાબતોમાં પસંદગીના નૈતિક દ્રષ્ટિકોણને અપનાવવા સામે કડક સલાહ આપી હતી.
👉 આ સમાચાર વાચો:
TMC Rebel MPs Letter મમતા બેનર્જીને મોટો આંચકો! ટીએમસીના બળવાખોર સાંસદોનો લોકસભા સ્પીકરને પત્ર, પક્ષ પલટાના એંધાણ
