News Continuous Bureau | Mumbai
Mumbai Local Train Crime મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પનવેલ અને ખંડેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેનમાં એક ૧૮ વર્ષની કૉલેજ કન્યાને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ કેસમાં ૫૦ વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ઘૂસી ગયો હતો અને પ્રતિકાર કરવા પર તેણે આ હિચકારું કૃત્ય કર્યું હતું.આ ઘટના સવારે આશરે ૮:૦૦ વાગ્યે બની હતી, જ્યારે પીડિત યુવતી સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનના મહિલા કોચમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન પનવેલથી ઉપડ્યા બાદ આરોપી મહિલા કોચમાં ચઢી ગયો હતો. જ્યારે ત્યાં હાજર મહિલાઓએ તેને ઉતરી જવા માટે કહ્યું, ત્યારે તે ઉગ્ર દલીલો કરવા લાગ્યો હતો. આ બોલાચાલી દરમિયાન ગુસ્સામાં આવીને આરોપીએ યુવતીને પાછળથી જોરદાર ધક્કો માર્યો, જેના કારણે તે સીધી રેલવે ટ્રેક પર પટકાઈ હતી.
ગંભીર હાલતમાં યુવતીએ પિતાને કર્યો ફોન
ટ્રેનમાંથી નીચે ફેંકાયા બાદ યુવતીને માથાના ભાગે, કમર અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પણ હિંમત દાખવીને યુવતીએ પોતાના પિતાને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. રેલવે પોલીસ દ્વારા યુવતીનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સતર્ક મુસાફરોએ આરોપીને પકડી પાડ્યો
ઘટનાને અંજામ આપીને આરોપી ખંડેશ્વર સ્ટેશન પર ઉતરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોની સતર્કતાને કારણે તેને પકડી લેવામાં આવ્યો હતો અને રેલવે પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પનવેલ રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Nagar Parishad Election Result: રેકોર્ડબ્રેક વિજય! મહાયુતિએ ૨૧૨ બેઠકો કબજે કરી વિપક્ષનો કર્યો સફાયો, ભાજપ-શિંદે-અજિત પવારની જોડીએ રચ્યો ઈતિહાસ
આરોપીનો માનસિક સંતુલન બગડ્યું હોવાની આશંકા
વરિષ્ઠ પોલીસ નિરીક્ષકના જણાવ્યા મુજબ, આરોપી એકલો રહે છે અને તેનું કોઈ સગું-વહાલું નથી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તેનું માનસિક સંતુલન બગડેલું છે. કોર્ટે આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આરોપીનો કોઈ અગાઉનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં.
