બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે છેલ્લા 7 દાયકાથી ગાયકીની દુનિયામાં સક્રિય છે. આજે આશા ભોસલે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહી છે.

આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર, 1933ના રોજ સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર અભિનેતા અને થિયેટર કલાકાર હતા.

તેમની મોટી બહેન લતા મંગેશકર દેશની સૌથી સફળ ગાયિકા માનવામાં આવે છે. પોતાની બહેનના માર્ગ પર ચાલીને આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

આશા ભોંસલેના જીવનમાં 16 મુ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તે જ વર્ષે તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી અને તે જ વર્ષે તેણે તેની બમણી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન પણ કર્યા.

આશા ભોંસલે એ ગણપત રાવ ભોસલે સાથે લગ્ન કર્યા. તેઓએ વર્ષ 1949માં લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન માત્ર 11 વર્ષ જ ટકી શક્યા. થોડા વર્ષો પછી, તેના ભૂતપૂર્વ પતિનું અવસાન થયું.

આ પછી આશા ભોંસલેએ પ્રખ્યાત સંગીતકાર આરડી બર્મન સાથે 1980માં લગ્ન કર્યા. જ્યારે આશા 60 વર્ષની હતી ત્યારે તેમના પતિનું અવસાન થયું હતું. આશા ફરી નિરાશ થઈ ગઈ.

આશાના જીવનમાં ઉતાર-ચઢાવનો તબક્કો ચાલુ રહ્યો. તેમની પુત્રી વર્ષા ભોસલેએ વર્ષ 2012માં 54 વર્ષની વયે આત્મહત્યા કરી હતી. તે સમયે આશા પોતે 80 વર્ષની હતી અને તેના માટે આ દુ:ખ સહન કરવું એટલું સરળ નહોતું.

આ પછી, ગાયિકા ને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ત્રણ વર્ષ પછી એટલે કે 2015 માં, આશા ભોંસલે ના પુત્ર હેમંત ભોસલે નું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું.

પરંતુ આ બધા પ્રસંગોએ તેમની મોટી બહેન લતા મંગેશકરે તેમનો સાથ છોડ્યો ન હતો. કમનસીબે, લતા પણ હવે આ દુનિયામાં નથી અને તેમણે એક વર્ષ પહેલા 2022માં 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું.