રાષ્ટ્રીય જનતા દળના નેતા, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને CBI દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સમન્સ દ્વારા તેજસ્વી યાદવને શનિવારે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમીનના બદલામાં નોકરી આપવાના સંદર્ભમાં તેમને આ સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ તેજસ્વી યાદવને આ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જો કે, તે સમયે તે હાજર રહ્યા ન હતા. એટલે હવે સીબીઆઈએ તેમને ફરી એકવાર સમન્સ પાઠવ્યા હોવાની માહિતી બહાર આવી છે.
અગાઉ CBIએ લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. હવે સીબીઆઈએ તેનું ફોકસ લાલુ પ્રસાદના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર કેન્દ્રિત કર્યું છે.
પૂછપરછ માટે હાજર થવાનો આદેશ
મહત્વનું છે કે શુક્રવારે જમીન-નોકરી કૌભાંડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ દિલ્હી-એનસીઆર, મુંબઈ અને પટનામાં 20 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. લાલુ યાદવની દીકરીઓના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે EDએ દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તેજસ્વી યાદવના ઘરે દરોડા પાડીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. EDના દરોડાના એક દિવસ બાદ CBIએ તેજસ્વી યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભારે કરી, પોતાના જ લગ્નમાં સૂઈ ગઈ કન્યા! પછી શું થયુ? જુઓ આ વાયરલ વિડીયોમાં