News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikant Das) જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ પરત લેવાના નિર્ણના એક મહિનાની અંદર કુલ 3.62 લાખ કરોડ રૂપિયામાંથી બે તૃતિયાંશથી વધુ (2.41 લાખ કરોડ રૂપિયાથી વધુ) નોટ બેંકોમાં પાછા આવી ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાથી અર્થતંત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. 19 મેના રોજ કેન્દ્રીય બેંકે અચાનક 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. લોકો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈને 2,000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકશે.
દાસે RBIની પોતાની ઓફિસમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, 2000ની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા સ્વરૂપે આવી છે. એટલે કે લોકો 2000ની વધુ નોટો બદલવાને બદલે બેંકમાં જમા કરાવી રહ્યા છે. અગાઉ, 8 જૂને નાણાકીય નીતિ સમીક્ષા પછી, દાસે જણાવ્યું હતું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો પાછી આવી છે. આ ચલણમાં 2,000 રૂપિયાની કુલ નોટોની લગભગ 50 ટકા જેટલી હતી.
અર્થવ્યવસ્થા પર નહીં પડે ખરાબ અસર
2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અર્થવ્યવસ્થા પર અસર વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે હવે જે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે તેની અર્થવ્યવસ્થા પર કોઈ વિપરીત અસર નહીં પડે. આપને જણાવી દઈએ કે, SBI રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2,000 રૂપિયાની નોટ પરત ખેંચવાથી વપરાશમાં તેજી આવી શકે છે અને તેનાથી ચાલુ નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા કરતા વધુ રહી શકે છે.
રિપોર્ટ મુજબ, અમે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ અમારા અંદાજની પુષ્ટિ કરે છે કે નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિ આરબીઆઈના 6.5 ટકાના અંદાજ કરતાં વધી શકે છે. રિઝર્વ બેંકે ચાલુ નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનું અંદાજ રાખ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Whatsapp Scam : ”પિંક વોટ્સએપ કૌભાંડએ એન્ડ્રોઈડ યુઝર્સને ચિંતામાં મુક્યા.