News Continuous Bureau | Mumbai
મણિપુરમાં છેલ્લા 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક પ્રશાસન અને સરકાર હિંસક અથડામણોને રોકવામાં નિષ્ફળ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ એવું લાગી રહ્યું હતું કે હિંસા અટકી જશે, પરંતુ એવું થયું નહીં. હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મણિપુરની 2 દિવસની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાતને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે તેમની મુલાકાતને સમર્થન આપ્યું છે.
મણિપુરમાં હિંસા પર પીએમ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી
આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મણિપુરમાં થઈ રહેલી હિંસા પર એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, “મણિપુર સળગી રહ્યું છે અને વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી હવામાં વાત કરી રહ્યા છે. અમે વિચાર્યું કે અમેરિકા જતા પહેલા પીએમ મણિપુર જશે અને ત્યાંના લોકો સાથે વાત કરશે અને ગૃહમંત્રીએ બેઠક પણ બોલાવી હતી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી.”
આ સમાચાર પણ વાંચો : China Covid-19 Bioweapon :ચીને કોરોના વાયરસને ‘જૈવિક હથિયાર’ તરીકે બનાવ્યો, વુહાન સંશોધકે ચોંકાવનારી માહિતી જાહેર કરી
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને તમે મણિપુર લઈ જાઓ અને લોકો સાથે અમે સંવાદ કરીએ
સંજય રાઉતે કહ્યું કે અમારી કેન્દ્ર સરકાર પાસે માંગ હતી કે તમે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને મણિપુર લઈ જાઓ અને લોકો સાથે અમે વાતચીત કરીએ. પરંતુ વડાપ્રધાન સહિત સરકારમાં અન્ય કોઈ આ વિશે બોલી રહ્યું નથી. રાઉતે દાવો કર્યો કે મણિપુર હિંસામાં ચીનનો હાથ છે, પરંતુ સરકાર ચીનનું નામ લેવા તૈયાર નથી. આ સાથે રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત અંગે તેમણે કહ્યું કે જો આ સ્થિતિમાં રાહુલ ગાંધી મણિપુર જાય અને ત્યાંના લોકો સાથે વાતચીત કરે અને શાંતિ સ્થાપિત થાય છે તો અમે તેમની મુલાકાતને આવકારીએ છીએ.