News Continuous Bureau | Mumbai
Ajit vs Sharad Pawar: NCP સુપ્રીમો શરદ પવાર સામે અજિત પવાર (Ajit Pawar) નો બળવો હવે આગલા તબક્કામાં પહોંચી ગયો છે. હવે શરદ પવાર અને અજિત પવાર બંને જૂથો પોતાને વાસ્તવિક NCP ગણાવી રહ્યા છે. કોની NCP… આ અંગે નિર્ણય થાય તે પહેલા આજે બંને જૂથોએ અલગ-અલગ બેઠક બોલાવી છે. અજિત પવારની બેઠકમાં અત્યાર સુધીમાં 32 ધારાસભ્યોએ હાજરી આપી છે. આ બેઠક ભુજબળ નોલેજ સિટી, બાંદ્રાના MET સેન્ટરમાં યોજાઈ હતી, જેમાં અજિત પવારે પોતે ભાષણ આપીને બધાને સંબોધ્યા હતા. આ પ્રસંગે બોલતા અજિત પવારે શરદ પવાર પર સીધો નિશાન સાધ્યું હતું.
અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે કહ્યું કે નોકરી કરતા લોકો 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. IPS-IAS 60 વર્ષે નિવૃત્ત થાય છે. નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થાય છે. અડવાણી-મુરલી મનોહર જોશી પણ નિવૃત્ત થયા. તમારી ઉંમર 83 વર્ષની થઇ, તમે નિવૃત્ત થશો કે નહીં? તમે ક્યારેય રોકાશો કે નહીં? સાહેબે કહ્યું કે સુપ્રિયાને પ્રમુખ બનાવો. અમે તૈયાર થયા. ત્યારબાદ તેમણે રાજીનામું પાછું લઈ લીધું હતું. તમારે રાજીનામું પાછું જ લેવું હતું તો આપ્યું શા માટે? મને લાગે છે કે અમારા વરિષ્ઠોએ આરામ કરવો જોઈએ. જિદ્દી ન બનવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Samruddhi Mahamarg: ચોંકાવનારી વાસ્તવિકતા! અકસ્માત થયો ત્યારે બસ ઓવરટેક લેનમાં દોડી રહી હતી, બુલઢાણા અકસ્માતનો ફોરેન્સિક રિપોર્ટ બહાર આવ્યો
નવા નેતૃત્વને તક આપવી જોઈએ
તેમણે એમ પણ કહ્યું કે, તમે ઘણા વર્ષોથી રાજકારણ કરી રહ્યા છો, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. નવા નેતૃત્વને તક આપવી જોઈએ. તમે રોકાશો કે નહીં? તમારે નવા નેતૃત્વને તક આપવી જોઈએ. હું રાજકીય જીવનમાં કામ કરતી વખતે સાહેબની છત્રછાયા અને માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છું. હું પણ રાજ્યનો મુખ્યમંત્રી બનવા માંગુ છું. રાજ્યનું ભલું કરવા માટે રાજ્યના વડાનું પદ હોવું જરૂરી છે. તો જ હું મહારાષ્ટ્ર માટે સારું કરી શકીશ.
CM પદને લઈને કહી આ વાત
અજિત પવારે CM પદને લઈને કહ્યું, કાકાએ મને NCPનો મુખ્યમંત્રી બનવા દીધો નહતો. તેમણે મુખ્યમંત્રીની બેઠક કોંગ્રેસને આપી દીધી હતી. 2014માં પણ કાકાએ ભાજપ સાથે ગઠબંધનની વાત કરી હતી. 2004માં વિધાનસભા ચૂંટણીમાં એનસીપી (NCP) પાસે કોંગ્રેસ (Congress) કરતા વધારે ધારાસભ્ય હતા. જો અમે તે સમયે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ના આપ્યુ હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો જ મુખ્યમંત્રી હોત. શરદ પવાર એકલા નિર્ણય લેતા રહ્યા, હું તેમનો સાથ આપતો રહ્યો. શરદ પવાર (Sharad Pawar) ના કહેવા પર મે સાંસદી છોડી દીધી હતી. અજિત પવારે કહ્યું કે હું દબંગ અને કડક નેતા નથી. શિંદે અને ભાજપને સાથે લઇને ચાલીશ. અજિત પવારે કહ્યું કે કાકાના કેમ્પમાં હાજર ધારાસભ્ય પણ મારી સાથે છે.