
રામજી જેને અપનાવે તે ડૂબે નહીં. જે પથ્થરો
વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તે ઉપર શ્રી રામ લખવામાં આવતું એટલે તે તર્યા. તમારા નામમાં જેવી શક્તિ છે તેવી તમારા હાથમાં
નથી.
રામનામ માં જે શક્તિ છે, તે ખુદ રામ માં પણ નથી. રામજી એ પોતાના જીવન દરમિયાન થોડાક નો ઉદ્ધાર કર્યો. પણ
ત્યાર પછી રામ નામે અનેક નૈ તાર્યા છે.
નામ જપનો મહિમા અને રો છે. જપ કરવાથી જન્મકુંડલી ના ગ્રહ પણ બદલાઈ જાય છે. વધુ શું કહું? તુલસીદાસજી ની
વાણીનો આશરો લઇએ.
મંત્ર મહામનિ વિષય બ્યાલ કે । મેટત કઠિન કુઅંક ભાલ કે ।।
ભાયં કુભાવ અનખ આલસહુ । નામ જપત મંગલ દિશિ દશહુ ।।
જ૫ તો જનાબાઇ એ કર્યા. જનાબાઈ છાણાં થાપે, તે કોઈ ચોરી કરી લઈ જાય. જનાબાઈ એ નામદેવ ને આ બાબતની
ફરીયાદ કરી. નામદેવે કહ્યું કે છાણાં તો સર્વ સરખાં. તારા છાણાં ઓળખાય કેમ? ચોર પકડાય કેમ? જનાબાઈ એ કહ્યું કે મારા
છાણાં ઓળખી શકાશે. મારું છાણું કાન પાસે ધરશો તો તેમાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જનાબાઇ છાણાં થાપતી
વખતે વિઠ્ઠલ-વિઠ્ઠલ નામનો જપ કરતાં જાય અને છાણાં થાપતાં જાય. એટલે કહે છે છાણાં માંથી જપનો ધ્વનિ નીકળશે.
નામદેવે ખાત્રી કરી જોઇ. છાણાંમાં થી વિઠ્ઠલ-વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાયો. તેમણે જનાબાઇ ને કહ્યું કે નામદેવ હું નહિ પણ
તું છે.
જનાબાઈ છાણાં થાપતી વખતે વિઠ્ઠલ-વિઠ્ઠલ નામના જપમાં એવા તલ્લીન બનતાં કે જડ છાણાં માંથી જપનો ધ્વનિ
નીકળતો.
આગળ જપની સંખ્યા અને તેનું ફળ બતાવ્યાં છે. વિધિમાં બે નિયમ સાચવજો. બ્રહ્મચર્ય પાળવું અને બીજા કોઈ નું
ખાશો નહિ. પાંચ કરોડ જપ કરનાર ને જ્ઞાન મળે છે. કેવળ વાંચવા થી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો કયાંય
ભણવા ગયા હોય, એવું તેમના ચરિત્રમાં લખ્યું નથી. પણ ભગવત ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં, અંદરથી જ્ઞાન નું સ્ફૂરણ થતું.
પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. મીરાંબાઇ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. તેર કરોડ જપ કરવાથી જીવ અને ઇશ્વરનું મિલન
થાય છે. કળિકાળમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી, મંત્રમાં દિવ્ય શક્તિ આવે
છે. અજામિલ નામસ્મરણ થી તરી ગયો હતો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૮
વેદાન્ત ના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે. અને સમજાય તો પણ અનુભવવા મુશ્કેલ છે. દુ:ખ શરીરને થાય છે. આત્મા તો
કેવળ દ્રષ્ટા છે. એમ બોલવું, સમજવું સહેલું છે. પણ આ સિદ્ધાંત નો અનુભવ કરવો મુશ્કેલ છે.
ત્યારે નામસ્મરણ સહેલું છે. ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. જપ કર્યા વિના જીવન સુધરતું નથી.
કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષ નું ભાન કરાવે છે. પણ તેનો ઉદ્ધાર તો નામ જપ, નામ સ્મરણ થી
જ થાય છે.
ભગવાનનું નામ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશ્રય થી, પાપનો પણ વિનાશ થાય છે.
દષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં ઠસ તો નથી. આ સંબંધમાં અજામિલ નો ઇતિહાસ કહેવામાં આવે છે. અજામિલ નું દષ્ટાંત
આપવામાં આવે છે. અજામિલ અધમ હતો, પણ ભગવાનના નામનો આશ્રય કરી કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. આ
જીવ માયામાં ફસાયેલા છે. માયામાં જે મળી ગયો છે તે અજામિલ. માયા જ્યાં જશો, ત્યાં સાથે આવશે. કોલસા ની ખાણમાં ઊતરે
અને હાથ ચોખ્ખા રહે તે અશકય છે. સંસારમાં માયા ના સંસર્ગ માં આવવું જ પડે છે. માયાને પકડવી પડે છે પણ તેને અગ્નિની
જેમ પકડજો. તેને વિવેક રૂપી સાણસી થી પકડજો. અગ્નિ વિના વહેવાર ચાલતો નથી. છતાં કોઈ અગ્નિને હાથમાં લે તું નથી. માયા
આપણી પાછળ પડે છે. તેનાથી બચવા નું છે અને ઇશ્વર પાછળ પડવા નું છે. ઈશ્વર પાછળ પડતાં માયા દૂર થશે. માયાને સ્પર્શ
કરતાં બહુ સાવધાન રહેજો. સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે અશકય છે. કનક અને કાન્તા એ માયા ના રૂપ છે. એ બે
વસ્તુમાં મન ન જાય એવો નિશ્ચય કરજો. શરીરથી પાપ કરશો તો સજા થશે, અને મનથી પાપ કરશો તો તેની પણ સજા થશે.
કનક અને કાન્તા એ બે વસ્તુમાં માયા રાખેલી છે. આ બે માંથી જેનું મન હઠી જાય તેનું મન માયામાં થી હઠી જાય છે.