News Continuous Bureau | Mumbai
Vibrant Gujarat Global Summit 2024 :
- નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO) ના એકઝ્યુકેટીવ વાઇસ પ્રેસિડેન્ટશ્રી કાજુયા નાકાજો ઉપસ્થિત રહ્યા
- ભારત આજે ઓટોમોબાઇલ ક્ષેત્રે મીની જાપાન બન્યું છે :- નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
- આર્થિક સલામતિ માટે જાપાની કંપનીઓ દ્વારા ગુજરાતમાં રોકાણ કરવામાં આવશે:- જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ અંતર્ગત પ્રથમ દિવસે મહાત્મા મંદિર ખાતે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ( Kanubhai Desai ) તથા જાપાન ( Japan ) ના રાજદૂત હીરોશી સુઝુકીની ઉપસ્થિતિમાં “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનનો “નેક્સ્ટ ફેઝ” અંગે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારને સંબોધતા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકાથી ભારત અને જાપાનના વ્યવસાય ક્ષેત્રે ઘનિષ્ટ સબંધો રહ્યા છે. ૨૦૦૩ થી જાપાન અને ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. ઓટોમોબાઇલ ક્ષેત્રના વિકાસની સાથે ભારત આજે ઓટોમોબાઇલ ક્ષેત્રે મીની જાપાન બની ગયું છે. જાપાન ભારતમાં ઓટોમોબાઇલ, ગ્રીન એનર્જી અને ગાયના છાણમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૩ થી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી એક જ સરકાર હોવાથી જાપાનનો ભરોસો વધુ મજબુત બન્યો છે, જેનાથી ગુજરાતમાં વિકાસની અનેક તકો ઉપલબ્ધ થઇ છે. ટેકનોલોજી તેમજ ઉર્જાની દિશામાં જાપાન અને ગુજરાત બંને એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહ્યા છે.
જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી એ વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અભિનંદન પાઠવતા કહ્યું કે, ભારત અને જાપાન વર્ષોથી એક બીજા સાથે ફ્રિડમ, ડેમોક્રેસી, સુરક્ષા, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ સાથે જોડાયેલું છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને જાપાનના વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જાપાન કેપેસીટી, ટેકનોલોજી, ઇનોવેશન, ફાઈનાન્સ ક્ષેત્રે સમૃદ્ધ છે અને ભારત સાથે મળીને સેમીકન્ડકટર ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે, તેમ જણાવી તેમણે આર્થિક સલામતિ માટે જાપાની કંપનીઓ દ્વારા ગુજરાતમાં અધિક થી અધિક રોકાણ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જાપાની નાણાં મંત્રાલયના ટ્રેડ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર- જનરલશ્રી કાઝુશીગે તાનાકાએ જણાવ્યું કે, જાપાન અને ભારત વચ્ચે સેમીકન્ડકટર સપ્લાય ચેઈનમાં મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. જાપાની કંપનીઓ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને તેમની હાજરી વધારી રહી છે. તાજેતરમાં બંને દેશોએ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની રાહ પર આગળ વધી રહ્યા છે. ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં જાપાનની કંપનીઓને ભારતમાં બિઝનેસ કરવામાં પહેલા કરતાં વધુ રસ ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Chapped Lips : ફાટેલા હોઠને કોમળ કરે છે ઘરના રસોડાની આ વસ્તુઓ, હોઠને મુલાયમ અને ગુલાબી બનાવી દેશે
સુઝુકી મોટર કોર્પોરેશનના વાઈસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવા એ કહ્યું કે, વર્ષ ૨૦૨૧ થી અમારી કંપનીએ લિથીયમ બેટરીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું છે. નજીકના સમયમાં બી.ઇ.વી (battery electric vehicles) પ્રોડક્શનનું વિસ્તરણ કરવા માટે સુઝુકી મોટર ગુજરાતમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે પ્રતિ વર્ષ 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. આ રોકાણમાં વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા 7.5 લાખથી વધારીને એક મિલિયન યુનિટ કરાશે. બીજા કાર પ્લાન્ટ માટે પણ રૂ. ૩૫ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જે પ્રતિ વર્ષ 10 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. જેના પરિણામે, ગુજરાતમાં બી.ઇ.વી ગાડીઓની ઉત્પાદન ક્ષમતામાં 2 મિલિયન યુનિટનો વધારો થશે.
DENSO કોર્પોરેશનના ભારતના સી.ઈ.ઓ શ્રી યસુહીરો ઇડા, Resonac કોર્પોરેશનના વડાશ્રી હિસાતી મીનામી, કાકુસાઈ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશનના મેનેજરશ્રી યાતાકા ઈટો, ડિસ્કો હાઈ-ટેક (સિંગાપુર) પ્રા.લિ. ના પ્રેસિડેન્ટશ્રી ટાકાટોશી કયો, એર વોટર ઇન્ડિયા પ્રા. લિ. ના કેન્સેઈ નોઝુ, મિતુબીશી હેવી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા પ્રા. લિ. ના રે કિમુરા અને હિટાચી ઝોસેન ઇન્ડિયા પ્રા. લિ. ના એમ. ડી. શ્રી તોમોનોરી એ ભારત અને જાપાનની વ્યુહાત્મક ભાગીદારી અને સબંધો વિશે વિગતવાર માહિતી આપી હતી.
સેમિનારના અંતમાં જાપાન ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઈન ઇન્ડિયા(JCCII) ના પ્રેસિડેન્ટશ્રી ટાકુરો હોરિકોશીએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં બંને દેશોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.