News Continuous Bureau | Mumbai
Gold Silver Price : હાલ સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ પીળી ધાતુના ભાવમાં જબરદસ્ત તેજી આવી છે અને તેની કિંમત એક પછી એક નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી રહી છે. સોમવારે નવા લાઈફ ટાઈમ હાઈ લેવલનો રેકોર્ડ બનાવ્યા બાદ આજે બુધવારે સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે સોનાની કિંમત 70 હજાર રૂપિયાના સ્તરથી બસ થોડા જ ડગલાં દૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સપ્તાહે સોનાની કિંમત 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
સોનું આજે આ સ્તરે પહોંચ્યું હતું
આજે MCX એટલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી ગયો છે. એમસીએક્સ પર, બુધવારે સોનું રૂ. 440 પર ખુલ્યું હતું અને દિવસ આગળ વધતાં વધુ વેગ મળ્યો હતો. બપોરે 12.20 વાગ્યે, તે રૂ. 609.00 એટલે કે 0.88%ના વધારા સાથે રૂ. 69,592 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેનો સર્વકાલીન ઉચ્ચ દર છે. આ વર્ષે સોનાની કિંમતમાં 6,000 રૂપિયાથી વધુનો વધારો થયો છે.
નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે પણ નવો રેકોર્ડ
આ પહેલા સોનાએ 1લી એપ્રિલે એટલે કે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે સોમવારના ટ્રેડિંગમાં MCX પર સોનાની કિંમત પહેલીવાર રૂ. 69 હજારના સ્તરને પાર કરી ગઈ હતી. સોમવારના વેપારમાં, સોનાનો એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રતિ 10 ગ્રામ રૂ. 69,487 પર પહોંચ્યો હતો, જ્યારે જૂન કોન્ટ્રાક્ટનો ભાવ વધીને રૂ. 68,719 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
ચાંદી પણ ચમકી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે MCX પર ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં પાકતા ચાંદીના કોન્ટ્રેક્ટની કિંમત MCX પર રૂ. 926 અથવા 1.20 ટકા વધીને રૂ. 77,962 પ્રતિ કિલો થઈ ગઈ છે. આના એક દિવસ પહેલા મંગળવારે ચાંદી 77,036 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ઉધોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ અધધ 500 કરોડમાં વેચ્યો પોતાનો બંગલો, જાણો કોણે ખરીદ્યો..
વૈશ્વિક બજારોમાં આવી તેજી
વૈશ્વિક સ્તરે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણમાં, સલામત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગ છે. વૈશ્વિક સ્તરે આજે સોનાના હાજર ભાવ 0.8 ટકાના વધારા સાથે $2,268.44 પ્રતિ ઔંસની વિક્રમી સપાટીએ હતા. જ્યારે સોનાનો વાયદો 1.1 ટકા વધીને $2,181.8 પ્રતિ ઔંસ પર છે.
આ છે કારણ
સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનું કારણ ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો છે. આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષાએ પણ સોના અને ચાંદીની ચમકમાં વધારો કર્યો છે. ડોલર ઇન્ડેક્સ ટોચની છ કરન્સી સામે 104 ની આસપાસ છે. છેલ્લા પાંચ સત્રોમાં તેમાં 0.32 ટકાનો ઘટાડો થયો છે.