News Continuous Bureau | Mumbai
Gujarat Dolphin Census 2024: વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વન્ય – જળચર જીવ સૃષ્ટિના સંવર્ધન માટે અનેકવિધ પ્રકલ્પોની સાથે-સાથે તેમના સંરક્ષણ માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે.
તાજેતરમાં ગુજરાત વન વિભાગ ( Gujarat Forest Department ) દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારના જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.
વન મંત્રી શ્રી મુળુભાઈએ ડોલ્ફિન ( Dolphin ) વસ્તી ગણતરી- ૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા ૧,૩૮૪ ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યની શોભા વધારે છે.
વન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ( Gujarat Dolphin ) ખુબ જ મહત્વનું જળચર પ્રાણી’ છે. સમુદ્રી દરિયાઇ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu Mauritania: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધી મોરિટાનિયાની મુલાકાત, સાંસ્કૃતિક વિનિમય, વિઝા મુક્તિ સહિત આ ક્ષેત્રોમાં એમઓયુ પર કર્યા હસ્તાક્ષર.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ડોલ્ફિન ગણતરી પદ્ધતિ અંગે જણાવ્યું હતું કે, આ સર્વે વન વિભાગ સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બે દિવસ માટે યોજાયો હતો, જેમાં દરેક ટીમમાં ટેકનિકલ-વૈજ્ઞાનિક, નિરીક્ષક, ફોટોગ્રાફર અને ક્ષેત્ર સહાયક એમ કુલ મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા. વિવિધ બોટના માધ્યમથી કરાયેલા સર્વેમાં સહાયકોને દૂરબીન, G.P.S. યુનિટ જેવા અતિઆધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવેલ હતી.
Gujarat Dolphin Census 2024: ગુજરાતમાં જોવા મળતી ડોલ્ફિનની વિશેષતા:
ડોલ્ફિન અંગે વધુ વિગતો આપતા વન- પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈએ કહ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠાના ( Gujarat coast ) પાણીમાં ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન ( Humpback Dolphin ) વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર ‘બોટલ’ જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે છે.
ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ‘ગંગા ડોલ્ફિન’ છે, તે પવિત્ર ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે. ભારત સરકારે તા. ૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કર્યું છે. સાથે જ, ડોલ્ફિન ‘માનવમિત્ર જળચર’ તરીકે જાણીતી છે તેમજ તેના બૌદ્ધિક – મનોરંજક સ્વભાવ માટે લોકપ્રિય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડોલ્ફિનને માણવી- જોવી એ અપાર આનંદની સાથે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે, જે ગુજરાત સહિત દેશ- વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar Rajasthan: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19મી ઓક્ટોબરે રાજસ્થાનની લેશે મુલાકાત, આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કરશે અધ્યક્ષતા.