News Continuous Bureau | Mumbai
WPI Inflation: મોંઘવારીના મોરચે આમ જનતાને મોટી રાહત મળી છે. છૂટક મોંઘવારી બાદ શાકભાજીના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ મોંઘવારી પણ ઘટી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને 1.89% થયો છે. આ 3 મહિનામાં સૌથી નીચું સ્તર છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી. આજે જારી કરાયેલા સરકારી ડેટામાં જણાવાયું છે કે ઓક્ટોબર 2024માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો 2.36%ના સ્તરે હતો. નવેમ્બર 2023 માં તે 0.39% હતો.
WPI Inflation:ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો નવેમ્બરમાં ઘટીને 8.63% પર આવી ગયો, જ્યારે ઓક્ટોબરમાં તે 13.54% હતો. શાકભાજીનો ફુગાવો ઘટીને 28.57% થયો છે, જ્યારે ઓક્ટોબરમાં તે 63.04% હતો. દરમિયાન, નિષ્ણાતો માની રહ્યા છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફેબ્રુઆરીની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરશે
WPI Inflation:બટાકાના ભાવ ઊંચા સ્તરે
નવેમ્બરમાં બટાટાનો ફુગાવો 82.79%ના ઉચ્ચ સ્તરે રહ્યો, જ્યારે ડુંગળીનો ફુગાવો ઝડપથી ઘટીને 2.85% થયો. ઇંધણ અને વીજળીની શ્રેણીમાં ફુગાવો 5.83% હતો, જ્યારે ઓક્ટોબરમાં તે 5.79% હતો. ઉત્પાદિત માલનો ફુગાવો નવેમ્બરમાં 2% હતો, જે ઓક્ટોબરમાં 1.50% હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ બાદ હવે NCPમાં પણ વિખવાદ! આ નેતાએ પવારને બતાવ્યો પાવર..
WPI Inflation:છૂટક ફુગાવો પણ ઘટ્યો હતો
અગાઉ છૂટક ફુગાવો દરમાં પણ ઘટાડો નોંધાયો હતો. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.48% પર આવી ગયો હતો. ઓક્ટોબરમાં તે 6.21%ના સ્તરે હતો. તેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NAO) દ્વારા જાહેર કરાયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ડેટા અનુસાર, નવેમ્બરમાં ખાદ્ય ચીજોમાં ફુગાવો ઘટીને 9.04% થયો છે. ઓક્ટોબરમાં તે 10.87% અને નવેમ્બર 2023માં 8.70% હતો.