107			
            
                    
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    મુખ્યમંત્રીશ્રી
- વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથના દેશમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમજ ફાર્મસી રેગ્યુલેશન વર્કમાં સહયોગ પૂરો પાડી રહ્યું છે.
- આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત
- નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગુજરાત સતત બે વર્ષોથી “સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓ”ની શ્રેણીમાં પ્રથમ ક્રમે.
- ગુજરાત આજે મેડિકલ ટૂરિઝમના હબ તરીકે વિકસી રહ્યું છે.
PHCથી લઈ સિવિલ હોસ્પિટલ સુધીની માળખાકીય સુવિધાઓનું સુદ્રઢ માળખું આજે ગુજરાતની ઓળખ બન્યું :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Health Diplomacy: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વસુધૈવ કુટુમ્બકમની ભાવના ઉજાગર કરીને વિશ્વ મિત્ર તરીકે ઉભરી આવ્યું છે. કોરોના મહામારીના વિકટ સમયમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને ભારતે પોતાની વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા આયોજિત “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ કરાવ્યો હતો. 
આ સંવાદનો મુખ્ય હેતુ ગ્લોબલ સાઉથ દેશોમાં ભારતીય નીતિઓ અને શ્રેષ્ઠ પ્રણાલીઓના સંભવિત યોગદાન પર ચર્ચા-મંથન કરવાનો છે. 
આરોગ્ય સુરક્ષા સુધારવા, ગરીબી ઘટાડવા અને સમાનતા વધારવા માટે ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે પરસ્પર સહયોગ સહિતના વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓ પર આ સંવાદમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમજ ફાર્મસી રેગ્યુલેશન વર્કમાં સહયોગ પૂરો પાડી રહ્યું છે. 
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંબંધી જટિલ સમસ્યાઓ વધી રહી છે તેના સમાધાન માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ વૈશ્વિક પડકારો અને તેના સમાધાનરૂપે ભારતની બેસ્ટ પ્રેક્ટીસીસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે આ સંવાદને મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય માધ્યમ ગણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે દેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. દરેક વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ તે માટે પ્રિવેન્ટિવ હેલ્થ કેરને પ્રોત્સાહન, ગામડાઓમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, શહેરોમાં મેડિકલ કોલેજ અને રિસર્ચ સંસ્થાઓની સ્થાપના જેવા મુદ્દે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં એકસાથે કામ થઈ રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ કરી છે તે અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને વિઝનનો લાભ ગુજરાતને પાછલા 23 વર્ષોથી મળી રહ્યો છે. રાજ્યમાં હાલમાં આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ લોકોની આરોગ્ય સુખાકારી માટે કાર્યરત છે. 
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે, ભારત સરકારની થિંક ટેન્ક સંસ્થા નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગુજરાત સતત બે વર્ષોથી “સારુ સ્વાસ્થ્ય અને સુવિધાઓ”ની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે.
આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ સાથે ગુજરાત આજે મેડિકલ ટૂરિઝમના હબ તરીકે વિકસી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોના કારણે ગુજરાતના મેડિકલ ટૂરિઝમનો વિકાસ દર 33 ટકા વધ્યો છે. આ વિકાસ દર રાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટૂરિઝમ વિકાસ દર કરતા 13 ટકાથી વધારે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 
આ સમાચાર પણ વાંચો:Maharashtra Politics : પવાર પરિવારમાં બધું બરાબર નથી!? કાકા ભત્રીજા અજીત અને શરદ પવાર સ્ટેજ એક જ મંચ પર એકબીજાને કર્યા ઇગ્નોર; રાજકીય ચર્ચા તેજ..
આ સંવાદ વૈશ્વિક સ્તરે મેડિકલ તેમજ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ સાથે સંકળાયેલા તમામ પડકારોના સમાધાન માટે મહત્વપૂર્ણ વિચાર-વિમર્શનો મંચ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. 
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,  ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાઓ વિશ્વસ્તરીય બની છે. 
આરોગ્ય ક્ષેત્રે પણ સંશોધન કરતી એક અલાયદી સંસ્થાનો વિચાર બીજ પણ IIPH સ્વરૂપે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ રોપ્યો હતો  જેનો મુખ્ય ઉદ્દેશ  IIT , IIM જેવી સંસ્થાનું નિર્માણ કરવાનો હતો. આજે IIPH એ આરોગ્ય  ક્ષેત્રે તેના સંશોધન કાર્ય થકી સમગ્ર દેશમાં નામના મેળવી છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
બાળ મૃત્યુદર ,માતા મૃત્યુદર, બિનચેપી રોગોના અટકાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઈ સિવિલ હોસ્પિટલ સુધીની માળખાકીય સુવિધાઓનું સુદ્રઢ માળખું આજે ગુજરાતની ઓળખ બન્યું છે .જેના પરિણામે જ નીતિ આયોગ દ્વારા જાહેર થતાં આરોગ્ય વિષયક SDG ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. 
રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી રાજ્યના દુર્ગમ, પહાડી દૂરદરાજના વિસ્તારોમાં વસતા નાગરિકોને પણ સતત શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર પ્રયાસ રત હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસિટીનું જોયેલું સ્વપ્ન પૂર્ણતાના આરે છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઝોન પ્રમાણે મેડિસિટી નિર્માણ કાર્ય આરંભાયુ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 
રાજ્યમાં ઉપલબ્ધ ગુણવત્તા યુક્ત અને વિશ્વ સ્તરીય આરોગ્ય સેવાઓના પરિણામે જ આજે રાજ્યના મેડિકલ ટુરીઝમ માં સતત વધારો થઇ રહ્યો છે.
આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના પરિણામે વર્ષ ૨૦૪૭ પહેલાં જ ગુજરાત સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવશે તેઓ ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો:Inter Youth Award Ceremony :સુરતમાં આજે ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ’ યોજાશે..
હેલ્થ ડિપ્લોમસી જેવા વિષય પર સંવાદનું આયોજન કરવા બદલ અભિનંદન આપતા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના IFS અધિકારી શ્રી કજરી વિશ્વાસે જણાવ્યું હતું કે, ભારત આરોગ્ય ક્ષેત્રે હર હંમેશ આગળ રહ્યું છે. આપણા દેશે ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આયુર્વેદ, યોગ અને હોમિયોપેથી જેવી પ્રાચીન પદ્ધતિઓને પણ અપનાવ્યું છે. કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં સ્વદેશી વેકસીન બનાવીને ભારતે વિશ્વ આખાને અચરજમાં મુક્યું હતું.  G20ની યજમાનીમાં પણ ભારતના આરોગ્ય ક્ષેત્રનું ઉત્તમ પ્રદર્શન પુરા વિશ્વએ જોયું છે. કોવિન જેવી એપલીકેશનની વિશ્વ આખાએ નોંધ લીધી છે. 
આ પ્રસંગે IIPHGના નિયામક ડૉ. દીપક સક્સેનાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે IIPHGની પ્રેરણા ઉપરાંત જાહેર સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા માટેનું પાયારૂપ IIPHGનું માળખું ઊભું કરવા માટે જરૂરી સહકાર અને પીઠબળ પૂરું પાડવા બદલ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. નિયામકશ્રીએ ઉપસ્થિત સૌને IIPHGની વિશેષતાઓ અને સિદ્ધિઓ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ તેમણે બે દિવસીય “હેલ્થ ડિપ્લોમેસી પ્રોગ્રામ”ની પણ વિગતો આપી હતી.
હેલ્થ ડિપ્લોમસી સંવાદના ઉદ્ગાટન સમારંભમાં  પર્યટન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, IIPHGના ડિરેક્ટર શ્રી દિપક સક્સેના, IIPHGના રજિસ્ટાર શ્રી ડૉ. અનિષ સિન્હા તથા પાર્ટનર કન્ટ્રીના એમ્બેસેડર, વિવિધ દેશોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        