News Continuous Bureau | Mumbai
- રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસ: ૯૮.૯૬% સરકારી કર્મચારીઓએ હેલ્મેટ નિયમની ચુસ્ત અમલવારી કરી પોતાની જવાબદારી નિભાવી
- રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સમાજના આ તમામ રોલ મોડલ અધિકારી કર્મચારીઓની સરાહના કરી
Helmet drive: રાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીઓ નિભાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજ્યભરમાં ગુજરાત પોલીસે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં પ્રથમ દિવસે અંદાજે ૯૮.૯૬% સરકારી કર્મચારીઓ નિયમોનું પાલન કરીને પોતાની જવાબદારી અને શિસ્તબદ્ધતા પ્રદર્શિત કરતા ધ્યાને આવ્યા છે જે પ્રસંશનિય બાબત છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે બે દિવસ પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, “તમામ સરકારી કર્મચારીઓ સમાજ માટે રોલ મોડલ છે. તેઓ જો ટ્રાફિક નિયમોનું પાલન કરશે, તો સામાન્ય નાગરિકો માટે પણ તે પ્રેરણાદાયક રહેશે.”
આ અપીલના અનુસંધાનમાં, રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર પોલીસ ચેકિંગ પોઈન્ટ ગોઠવી હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારી કર્મચારીઓની જાગૃતતા સ્પષ્ટ દેખાઈ છે. ગુજરાતમાં અંદાજે ૪.૭૦ લાખથી વધુ કર્મચારીઓ ફરજરત છે, મોટાભાગના કર્મચારીઓએ સ્વયંશિસ્ત દાખવી અને હેલ્મેટ ધારણ કરીને એક ઉદારહરણ પૂરું પાડ્યું, જે નિયમો પ્રત્યેની જાગૃતતાનું ઉત્તમ પ્રદર્શન છે. આ ડ્રાઇવના પ્રથમ દિવસે માત્ર ૪,૮૭૬ કર્મચારીઓએ જ હેલ્મેટ વિના મુસાફરી કરી હોવાનું ધ્યાને આવ્યુ અને તેમને દંડ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Brown rice: બ્રાઉન અને બ્લેક પછી હવે લાલ ચોખા! સુરતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી કરી રહ્યા છે તગડી કમાણી; સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક..
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓએ જે રીતે ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ દર્શાવી છે, તે અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયક છે. સરકારના તમામ વિભાગના કર્મચારીઓ જે રીતે શિસ્તબદ્ધ રીતે સંકળાયેલા છે, તે રાજ્ય માટે ગૌરવની બાબત છે. આપણું રાજ્ય ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બને, તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ટ્રાફિક સુરક્ષામાં ગુજરાતને અગ્રેસર બનાવવા માટે સંકલ્પબદ્ધ રહેવા સૌને અપીલ છે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed