News Continuous Bureau | Mumbai
- સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
- માત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી
Kosamba Rape Case: સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં બારીકાઇથી તપાસ કરી ગુનેગારોને કડક સજા અપાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ૬૯ પોલીસ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે આપવાની જાહેરાત કરી છે.
સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.૮મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ગુનાને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી લઇને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તા.૨૪મી ઓક્ટોબરે એટલે કે માત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Gujarat State Yoga Board: સુરતના પાંડેસરામાં યોજાઈ રાજય સ્તરની યોગાસન સ્પર્ધા-૨૦૨૫, યોગાસન સ્પર્ધામાં 120 યોગી સ્પર્ધકોએ લીધો ભાગ
Kosamba Rape Case: નામદાર કોર્ટ દ્વારા આજે આ ગુનાના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. પીડિતા તથા તેના પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને તપાસ કરી છે તેવા સુરત રેન્જ ડી.આઇ.જીશ્રી થી લઇને લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સુધીના કુલ ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે આપવા તથા પ્રશંસાપત્ર આપવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જાહેરાત કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed