News Continuous Bureau | Mumbai
Natural Farming :
- ૨૨ વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત ૪૦ પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂ.૧૦ લાખની આવક મેળવી રહ્યા છે
- ખેડૂત પ્રદિપભાઈએ દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતી કરી અને ગામના ૧૦ લોકોને રોજગારી આપીઃ
- એક હેકટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન યોજના હેઠળ ૭૦ ટકા સબસિડી પ્રાપ્ત કરીઃ
- શેરડીના મૂલ્યવર્ધનથી ઓર્ગેનિક ગોળ બનાવી રૂ.૭૫ હજારની વધારાની આવક મેળવતા પ્રદિપભાઈ નેતા
પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા સુધરતા ઉત્પાદન, સ્વાદ અને આવકમાં નોંધપાત્ર વધારો થયો:
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના કારણે હવે શેરડીમાં ૩૦ દિવસ સુધી પાણી આપવાની પણ જરૂર રહેતી નથીઃ
-:ખેડૂત પ્રદિપભાઈ લાલભાઈ નેતા
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીએ ગતિ પકડી છે. અનેક ખેડૂતો આખેતી તરફ વળ્યા છે, આજે વાત કરીએ એવા ખેડૂતની જેમણે ઓએનજીસીમાં ૩૫ વર્ષ ઈજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે. આવકમાં પણ વૃદ્ધિ થઇ અને આરોગ્ય પણ જાળવણી થઇ છે. સાથોસાથ ગામના ૧૦ લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.
મહુવા તાલુકાના વાછાવડ ગામના પ્રદિપભાઈ લાલભાઈ નેતા ૨૨ વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત ૪૦ પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂ.૧૦ લાખની આવક મેળવી રહ્યા છે. પોતાના દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લીધી હતી. કારણ કે દાદા ગાયના છાણ આધારિત ખેતી કરતા હતા. હવે દાદાનો વારસો આગળ વધારી રહેલા પ્રદિપભાઈએ પણ જમીનને રાસાયણિક ખાતરમુક્ત બનાવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, “છાણ આધારિત ખાતર, જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, અને જંગલ મોડલ ખેતીના કારણે જમીનની ગુણવત્તા અને પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. શેરડીમાં ૩૦ દિવસ સુધી પાણી આપવાની પણ જરૂર રહેતી નથી. જમીનની તંદુરસ્તી જાળવવી એ લાંબા ગાળે કૃષિનો ખરો વિકાસ છે.”
પ્રદિપભાઈએ ૨૨ વીઘામાં કેસર કેરીના ૬૦૦થી વધુ આંબા, સફેદ જાંબુ, કાળા જાંબુ, લાંબા ચીકૂ, અંજીર, વેલવેટ એપલ, એપલ બોર જેવી લગભગ ૪૦ પ્રકારની ફળોની જાતોનું વાવેતર કરી ઉછેર્યા છે. આંતરપાક તરીકે તેઓ રીંગણ, કળાના ચોખા, ડાંગર વગેરે પણ લે છે. સાથે જ શેરડી ઉગાડી તેમાંથી ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન પણ શરૂ કર્યું, જેનાથી રૂ.૭૫ હજાર જેટલી વધારાની આવક મેળવી રહ્યાં છે. તેમના ઉત્પાદનોની માંગ એવા સ્તરે પહોંચી છે કે વેચાણ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી.
આ સમાચાર પણ વાંચો : Twin Tunnel Project: મુંબઈગરાઓને ટ્રાફિક જામથી મળશે રાહત.. આ વિસ્તારમાં બનશે છ-લેન પૂલ.. જાણો શું છે રાજ્ય સરકારની યોજના..
જમીનની સંભાળ વિશે તેમણે જણાવ્યું કે, ગાયના છાણનું ખાતર નાંખવાથી જમીન પોચી અને ફળદ્રુપ બને છે. ઉપરાંત, છોડોની છટણી, સફાઈ અને નિયમિત ઘાસપાત દૂર કરીએ છીએ. જો આપણે જમીનને સાચવીશું તો જમીન એટલે કે ખેતી જીવનભર આપણને સાચવશે.
સરકારી સહાયની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટપક સિંચાઈ યોજનાનો લાભ લીધો છે. ૭૦ ટકા સબસિડી પ્રાપ્ત થઈ છે. એક હેક્ટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન કરૂ છું જેમાં પાણીની મહત્તમ બચત થઈ રહી છે. સરકારની સહાયથી રૂ.૪ હજારનું વેટ મશીન, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સબસિડી મળી છે. સરકારની કૃષિસહાયથી મોટો આધાર મળ્યો છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની રાહ મળી છે.
આમ, પ્રદિપભાઈ સમજદારી સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને યુવા ખેડૂતોને માર્ગદર્શિત પણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને સહયોગ આપી વહેલી તકે આ ખેતી અપનાવવી જ જોઈએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.