News Continuous Bureau | Mumbai
” જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું
ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.”
કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં ‘ પાંડુકાવ્યો ‘ કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં ‘ ખંડિતકાંડ અને પછી ‘ કાવ્યસંગ્રહમાં. કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા ‘ કવિતા વિશે કવિતા ‘ અને ‘ ભગવાનની વાતો ‘ . કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક ‘ ભગવાનની વાતો ‘ ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,’ આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.’

ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ ‘ ટેલ્સ ઑફ ગૉડ ‘ નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી ‘ ભગવાનની વાતો ‘ નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

આ સમાચાર પણ વાંચો : Jharukho :રવિવારે બોરીવલીમાં ઝરૂખોની સાહિત્યિક સાંજ, ‘મસ્તીની પાઠશાળા’ની બીજી આવૃત્તિ નિમિત્તે ‘બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન’
૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.