News Continuous Bureau | Mumbai
Gujarat Police Action :
- ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા વિવિધ ગુનાઓ આચરતા ભેજાબાજોને ગુજરાત પોલીસની એક્ષપર્ટ ટીમોએ ઝડપી પાડ્યા
- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
Gujarat Police Action : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી, રૂ. 48.85 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
14 મે 2025ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી.
તે ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. 33, અમદાવાદ) સાયબર ફ્રોડ અને છેતરપિંડીના 7 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજો અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
Gujarat Police Action : સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી
02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
15/05/2025ના રોજ વિમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.
Gujarat Police Action : રાજકોટ સાયબર ક્રાઇમ ટીમની સફળતા
રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે 3 મે 2025ના રોજ રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો, જેણે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાંની છેતરપિંડી કરી હતી.
તે ઉપરાંત 2 મે 2025ના રોજ, 9 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ કાર્યવાહી કરવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : Terrorist Abu Saifullah killed :સૈફુલ્લાહ (Saifullah)ની રહસ્યમય હત્યા, લશ્કર (Lashkar)નું નેપાળ મોડ્યુલ તૂટી પડ્યું
Gujarat Police Action : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે 2025 સુધી રૂ. 2.71 કરોડના ફ્રોડમાંથી રૂ. 1.01 કરોડ રિફંડ કરાવ્યા. એક કેસમાં, રૂ. 23 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો, જેણે 15થી વધુ બેંક ખાતાઓ દ્વારા રૂ. 50 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
Gujarat Police Action : સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
વડોદરામાં હસમન ગુપ્તાની ફરિયાદ પર, BOSIPTV અને IPTV દ્વારા ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું.
ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.