News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya :
પ્રકૃતિથી મોટો કોઈ દાતા નથી. પ્રકૃતિની સેવા અને સુરક્ષા કરનારને જ કુદરતી તત્ત્વોના સેવનનો, તેના ઉપભોગનો અધિકાર છે.
સાંઈ કવિ મકરંદ દવે કહે છે :
વૃક્ષ સિંચયામી, સૂર્ય સેવયામી,
સત્યં પાલયામિ…
ઝાડને જળ સિંચીને ઉછેરું છું, સૂર્યપ્રકાશને સેવું છું અને સત્યનું પાલન કરું છું.
ગુણવંત શાહે લખ્યુંઃ
વૃક્ષ શરણં ગચ્છામિ, સૂર્યમ્ શરણં ગચ્છામિ,
સત્યં શરણં ગચ્છામિ…
વૃક્ષને મૂળસોતાં ઉખેડી ફેંકનારને તેનાં ફળ-ફૂલ-છાલ કે છાયાનો અધિકાર નથી, જે ઝાડ પર બેઠા છીએ તેને કુહાડી મારવાની મૂર્ખામી માનવજાત કરી રહી છે. પ્રકૃતિને તરછોડીને, તેની સાથે ડિવોર્સ લઈને, ખરેખર તો આપણે માનવતાનો અપરાધ કરી રહ્યા છીએ. કુદરતનો દ્રોહ કરીએ ત્યારે આપણી માણસાઈનાં મૂળિયાં હચમચી ઊઠે છે, તેના આંચકા સમગ્ર સૃષ્ટિચક્રને અવળસવળ કરી મૂકે છે.
ઉમાશંકર જોશીએ એટલે જ ગાયું હતુંઃ
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે. ફૂલો, વનોની છે વનસ્પતિ…
કુદરત પર કુઠારાઘાત કરીને માણસ પોતાની સુખ- સુવિધાઓ વધારતો જાય છે, પણ ખરેખર તો સંસ્કૃતિની હત્યા કરતો જાય છે…
જનાબ શોભિત દેસાઈની વ્યથાનાં વીતક સરવા કાને સાંભળોઃ
સગવડભરી બની ગઈ સિમેન્ટની સડક
પણ વધ થયો છે સામટો રે ! ગુલમ્હોરનો…
એના સહારે કંઈક પ્રદૂષણ કર્યા પસાર
બચપણમાં સાંભળ્યો હતો ટહુકો જે મોરનો….
માણસે લોકમાતા ગણાતી નદીઓના ઘાટને ઉકરડા બનાવી દીધા, જીવન ગણાતા જળને ઝેરીલું બનાવ્યું.
નિમેશ પરમારે અહીં કટાક્ષનો કોરડો વીંઝ્યો છેઃ
ઝેર અઢળક પીને આખા શહેરનું
આ નદી તો રોજ શંકર થાય છે…
ગણતરીબાજ અને કાવતરાંબાજ, નગુણી અને નઠોર માણસજાતને કુદરતની અપાર ઉદારતા અને દરિયાદિલીની ક્યાં ખબર છે? એટલે જ સંવેદનશીલ કવિની આ હૃદયદ્રાવક ચીસ સાંભળીએ.
કરે ક્યાં હિસાબ એવો એ દરિયો ?
કે મીઠું કેટલું લઈ ગયો અગરિયો….
પ્રકાશ મારો કોણ કેટલો માણે છે?
એવા કેલક્યુલેશનને સૂર્ય ક્યાં જાણે છે?
મહેક મારી ક્યાં કેટલી ફેલાય છે ?
પુષ્પ ક્યાં ફૂટપટ્ટી લઈ માપવા જાય છે?
પ્રકૃતિના યંત્રમાં તો વહાલા,
ફક્ત સરવાળા ને ગુણાકાર જ થાય છે,
એક માનવના કેલક્યુલેટરમાં જ
બાદબાકી ને ભાગાકાર થાય છે !!!
કુદરતના ખોળે જળચર-સ્થળચર અને ખેચર-સમગ્ર સૃષ્ટિ પાંગરે છે. સહુ જીવોને પ્રેમના પારણિયે ઝુલાવતી આ પ્રકૃતિને વારંવાર વંદન કરીએ… તેનો લાજ-મલાજો જાળવીએ. પર્યાવરણની શુદ્ધિ અને સુરક્ષાચક્રને સાચવીએ. માણસ અને કુદરત વચ્ચેનો આ સ્નેહસંબંધ સર્જન જૂનો છે. તેમાં સમજણની સુગંધ ઉમેરીને જીવનરસથી સતત સિંચન કરતાં રહીએ.
છેલ્લે,
કવિ ચીમન પુરોહિતના ઉદબોધનમાં તેનું રહસ્ય પિછાણીએઃ
તમે અમારે આંગણ ઊગ્યા સુરભિત સુંદર છોડ
અમે તમારી ડાળે મ્હોર્યા પુલકિત કોમળ કોડ
તમે ઘૂઘવતો દરિયો ભીતર, ભરચોમાસે લીલો
અમે મોરનો ચોગમ વહેતો ભીનો કંઠ રસીલો
તમે શિશુની આંખે ઝરતો સાવ અચંબો ભોળો
અમે છલોછલ હૂંફ ભરેલો સ્નેહ તૃષાતુર ખોળો.
પ્રો. અશ્વિન મહેતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.