News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારત-ચીન તણાવ પર કરેલી ટિપ્પણી બદલ ફટકાર લગાવી છે. 2022ની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે દાખલ થયેલા કેસને રદ કરાવવા પહોંચેલા રાહુલને સુપ્રીમ કોર્ટે આકરી વાતો સંભળાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં લખનઉમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે પૂછ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે ચીને ભારતની 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે? શું તમે ત્યાં હતા? તમારી પાસે શું પુરાવા હતા? જો તમે સાચા ભારતીય હોત, તો તમે આવી વાત કહી ન શક્યા હોત. જ્યારે સરહદ પર ઘર્ષણની સ્થિતિ હોય, ત્યારે બંને તરફની સેનાને નુકસાન પહોંચવું એ અસામાન્ય બાબત નથી.”
સેના પર ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી
16 ડિસેમ્બર 2022ના રોજ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત-ચીન વિવાદ પર ટિપ્પણી કરી હતી. એક ભાષણમાં રાહુલે કહ્યું હતું કે ચીની સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે. આ નિવેદનના આધારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ નિર્દેશક ઉદય શંકર શ્રીવાસ્તવે લખનઉમાં રાહુલ વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. શ્રીવાસ્તવે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ચીની સેનાએ ભારતીય સીમામાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણા સૈનિકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેના પછી ચીની સેના પાછી ફરી હતી. આટલું સ્પષ્ટતા હોવા છતાં, રાહુલે સેનાનું અપમાન કરતું ખોટું નિવેદન આપ્યું હતું, જે ભારતીય સૈનિકોને આઘાતજનક લાગ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Congress: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી:વિપક્ષની એકતા દર્શાવવા કોંગ્રેસ ઉતારશે સંયુક્ત ઉમેદવાર, રાહુલ ગાંધી સાથે ડિનર પર થશે મંથન
હાઈકોર્ટે રાહુલની અરજી ફગાવી દીધી હતી
આ કેસને રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ફરિયાદ કરનાર વ્યક્તિ આ મામલાથી સીધી રીતે પ્રભાવિત નથી, પરંતુ હાઈકોર્ટે રાહુલની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જે વ્યક્તિ સેનાનું સન્માન કરે છે, તે આવા નિવેદનથી પીડાઈ શકે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ મર્યાદા હોય છે. તેના નામે કંઈ પણ કહેવાની છૂટ નથી. સુપ્રીમ કોર્ટમાં રાહુલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે નીચલી કોર્ટે આ મામલે સુનાવણી કરતા પહેલા તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. જોકે, જજોએ તેમને વચ્ચે અટકાવીને કહ્યું કે આ દલીલ હાઈકોર્ટમાં આપવામાં આવી ન હતી.
તમે સંસદમાં મુદ્દો કેમ ન ઉઠાવ્યો?
લગભગ 5 મિનિટ ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત પર પણ સવાલ ઉઠાવ્યા કે વિપક્ષના નેતા તરીકે રાહુલે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું કેમ યોગ્ય ન સમજ્યું? તેમણે આ મુદ્દો સોશિયલ મીડિયા પર કેમ મૂક્યો? સુનાવણીના અંતે કોર્ટે ફરિયાદ કરનાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. હાલમાં, આ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી સ્થગિત રહેશે. સુપ્રીમ કોર્ટ સપ્ટેમ્બરમાં આ કેસની ફરીથી સુનાવણી કરશે.