News Continuous Bureau | Mumbai
Anvi Zanzrukiya: ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે મરાઠી માધ્યમના ધોરણ ૦૭ ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં સુરતની દીકરી અને રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી અન્વી વિજય ઝાંઝરૂકિયાએ સંઘર્ષથી પ્રાપ્ત કરેલી સફળતા વિષે એક પ્રકરણ સમાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અન્વી દિવ્યાંગ હોવા છતા યોગના ૨૦૦ કરતા વધુ આસનો કરી શકે છે. જેને રાષ્ટ્રપતિ એવોર્ડ-૨૦૨૦, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨ અને ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવી છે. સમગ્ર ભારતના ૧૪ જેટલા પ્રખ્યાત લેખકોએ અન્વીના જીવન પર પોતાના પુસ્તકમાં વાર્તા લખી છે. તે ૧૪ જેટલા વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ભારતના યશશ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ અન્વીને દિલ્હી નિવાસસ્થાને બોલાવી તેનું વિશેષ સન્માન કર્યું હતું. તેમજ “મન કી બાત” કાર્યક્રમમાં પણ ચી. અન્વીની યોગ ક્ષેત્રની અનન્ય સિધ્ધી વિષે વાત કરી હતી. અન્વીએ ગત જાન્યુઆરી માસમાં રાષ્ટ્રપતિભવન ખાતે આયોજીત એક કાર્યક્રમમાં યોગ નિદર્શન કર્યુ હતું. જેને નિહાળી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પણ પ્રભાવિત થયા હતા.
આ સમાચાર પણ વાંચો: Gujarat Police: ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ
અન્વીની દિવ્યાંગતા છતા પણ મક્કમ મનોબળ અને પરિવારના સહકાર પ્રાપ્ત કરી યોગક્ષેત્રની વિશેષ સિધ્ધીમાંથી અન્ય બાળકો પણ પ્રેરણા લઇ શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે મરાઠી માધ્યમ ધો.૦૭ માં પ્રથમ ભાષાના અજમાયશી પુસ્તકમાં અન્વીની પ્રેરણાત્મક જીવનયાત્રાનો એકમ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ સુરતીઓ, તમામ દિવ્યાંગો માટે એક ગૌરવપ્રદ બાબત કહી શકાય કે સુરતની માત્ર ૧૭ વર્ષની દીકરીની જીવનયાત્રા વિષે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. કદાચ આ પ્રથમ ઘટના હશે કે, આટલી નાની વયની ગુજરાતની દિવ્યાંગ દીકરીની જીવનયાત્રાને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એકમ તરીકે સમાવવામાં આવ્યું હોય. લગભગ તેનીજ ઉંમરના વિદ્યાર્થીઓ અન્વીની સંઘર્ષ અને પ્રેરણાત્મક જીવનયાત્રા વિશે અભ્યાસ કરશે.
અન્વીને પ્રાપ્ત થયેલા આ ઉચ્ચ સન્માન માટે તેના યોગ કોચશ્રી નમ્રતાબેન વર્મા અને ઝાંઝરૂકિયા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join Our WhatsApp Community