News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન તેલની આયાતને લઈને ભારત પર 50% ટેરિફ લગાવ્યા બાદ હવે વધુ “સેકન્ડરી સેન્ક્શન” (secondary sanction) લગાવવાના સંકેત આપ્યા છે. ભારતે આ પગલાંને દુર્ભાગ્યપૂર્ણ અને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ગણાવ્યું છે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન (Trump administration) તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો માની રહ્યું છે. ટ્રમ્પે તો ભારત પર યુક્રેનમાં ચાલી રહેલા રશિયન યુદ્ધને ફંડ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “હજુ તો માત્ર 8 કલાક જ થયા છે. જોતા રહો શું થાય છે. તમને વધુ ઘણું જોવા મળશે… તમને ઘણા સેકન્ડરી સેન્ક્શન જોવા મળશે.”
ભારતમાં 50% બેઝલાઇન ટેરિફ (baseline tariff) લાગુ થશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 30 જુલાઈએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 6 ઓગસ્ટે તેમણે વધુ 25% વધારાના ટેરિફનું એલાન કર્યું. આ પગલાથી ભારત પર કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી જશે. પ્રથમ 25% ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થશે, જ્યારે નવો વધારાનો 25% ટેરિફ 21 દિવસ બાદ એટલે કે 27 ઓગસ્ટથી લાગુ થશે. આ રીતે ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થશે. આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પે રશિયાના વ્યાપારી ભાગીદારો પર “સેકન્ડરી ટેરિફ” લગાવવાનું પગલું ભર્યું છે. જોકે, ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ પર તેમણે 90 દિવસનો સ્ટે રાખ્યો છે.
ટ્રમ્પે ચીન પર પણ સેકન્ડરી સેન્ક્શન લગાવવાનો સંકેત આપ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના નિવેદનમાં ચીન (China) પર પણ “સેકન્ડરી સેન્ક્શન” લગાવવાની વાત કરી છે. તેમણે કહ્યું, “અમે ભારતમાં 50% ટેરિફ લગાવ્યો છે, જે રશિયન તેલ ખરીદવામાં ચીન બાદ બીજા સ્થાને છે.” એક રિપોર્ટરના સવાલ પર કે શું તમે ભારતની જેમ ચીન પર પણ વધુ ટેરિફ લગાવવા જઈ રહ્યા છો? ટ્રમ્પે જવાબ આપ્યો, “અમે ભારતમાં કર્યું. ઘણા અન્ય દેશો પર પણ આ લાગુ કર્યું. તેમાં એક ચીન પણ હોઈ શકે છે.”
આ સમાચાર પણ વાંચો : Eknath Shinde: એકનાથ શિંદેએ અમિત શાહ સમક્ષ મહાયુતિ ની મુશ્કેલીઓ નો પાઠ વાંચ્યો; દિલ્હી પ્રવાસની ઇનસાઇડ સ્ટોરી
ભારતે ટ્રમ્પના ટેરિફ પર શું પ્રતિક્રિયા આપી?
ભારતે અમેરિકાના આ નિર્ણયની સખત નિંદા કરતાં તેને “ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે. ભારતે સ્પષ્ટતા કરી કે તેનો ક્રૂડ ઓઈલ (crude oil) આયાત બજાર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો છે. સરકારે એ પણ કહ્યું કે દુનિયાના ઘણા દેશો આ પ્રકારના નિર્ણય પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે, ત્યારે માત્ર ભારતને નિશાન બનાવવું “અનુચિત, અન્યાયી અને પાયાવિહોણું” છે. સરકારે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે તે પોતાના રાષ્ટ્રીય હિત ની રક્ષા માટે દરેક જરૂરી પગલું ભરશે.