News Continuous Bureau | Mumbai
મહેર કરો મા મેલડી. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કોઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ ફિલ્મના નિર્માતા પ્રફુલ ગુટકાએ જણાવ્યું.
રાજપીપળાના વિવિધ લોકેશન પર ફિલ્માવાયેલી ફિલ્મના નિર્માતા પ્રફુલભાઈ આ અગાઉ એક હિન્દી (તકદીર કે ફેરે) અને ગુજરાતી (પ્રીતે બંધાયેલા પારેવડાં) ફિલ્મ બનાવી ચુક્યા છે. મૂળ જામનગરનો ગુટકા પરિવાર વરસો પહેલાં મુંબઈ સ્થાયી થયો હતો. મુંબઈમાં ઉછરેલા પ્રફુલભાઈને સ્કૂલ-કૉલેજ કાળથી જ કલા પ્રત્યે લગાવ રહ્યો હતો. તેમણે કૉલેજ કાળ દરમિયાન અનેક નાટકો અને અન્ય સાંસકૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા. એટલું જ નહીં, તેમણે ધંધાદારી નાટકોમાં પણ અભિનય કર્યો છે. જેમાં ગુજરાતી નાટક હતું કુદરતના ખેલ અને હિન્દી પ્લે હતું આસ્તીન કા સાંપ, આ બંને નાટકના અનેક શો કર્યા હતા. ઉપરાંત અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકા ભજવી હતી.

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા
દરમિયાન તેમની મિત્રતા મધુર ભંડારકર સાથે થઈ. પ્રફુલભાઈ એ સંમયે ફિલ્મનું નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે મધુર ભંડારકરની બહેન રાધિકા ભંડારકરને હિન્દી ફિલ્મ તકદીર કે ફેરેમાં મોકો આપ્યો. ફિલ્મે સારો ધંધો કરતા પોતાના પ્રોડક્શન હાઉસ ભુવનેશ્વરી ફિલ્મ્સની સ્થાપના કરી.
પ્રફુલભાઈ વધુમાં જણાવે છે કે બંને નાટકોની સફળતા બાદ મેં ફિલ્મ નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્રેવીસ વરસની ઉંમરે પહેલી ફિલ્મ મેરે સાથી મેરે મીત બનાવી. ત્યાર બાદ બે-ત્રણ હિન્દી ફિલ્મો બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જંપલાવ્યું અને ફિલ્મ બનાવી પ્રીતે બંધાયેલા પારેવડાં.
સફળ હિન્દી ફિલ્મો બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ નિર્માણ તરફ વળવાનું કોઈ ખાસ કારણ?
એવું કાઈ ખાસ કારણ નથી પણ મારા બિઝનેસનો વ્યાપ વધવાને કારણે ફિલ્મ નિર્માણ માટે સમય ફાળવી શકતો નહોતો. જોકે ધંધો સેટ થયા બાદ ફરી ફિલ્મ નિર્માણ કરવાનું પ્લાનિંગ કર્યું ત્યારે મારી માતૃભાષાની ફિલ્મ બનાવવાનું વિચાર્યું. ઢોલિવુડના જાણીતા લેખક-દિગ્દર્શક કેશવ રાઠોડ સાથે પ્રીતે બંધાયેલા પારેવડાંનું નિર્માણ શરૂ કર્યું. ફિલ્મમાં ચંદન રાઠોડ, પલ રાવલ સહિત એ સમયના જાણીતા કલાકારો હતાં.

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા
પ્રીતે બંધાયેલા પારેવડા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાનું કારણ?
સમયનો અભાવ. મારો સ્વભાવ છે કે જે કામ હાથમાં લીધું હોય એ પર્ફેક્ટ કરવું. ફિલ્મ નિર્માણ માટે પણ મારો આવો જ અભિગમ રહ્યો છે. જોકે ફિલ્મ બનાવવાના વિચારો આવતા પણ અમલમાં મુકી શકતો નહોતો. આખરે માતાજીની કૃપા થઈ અને ફિલ્મ નિર્માણની ગાડી આગળ વધી. આ સમયગાળા દરમિયાન મેં નોંધ્યું કે લાંબા અરસાથી ગુજરાતીમાં માતાજી પર કોઈ ફિલ્મ બની નથી. એટલે મેં મહેર માતાને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ સાથે મારો સ્પષ્ટ અભિગમ હતો કે ફિલ્મમાં માતાજીની મહિમાના ગુણગાન હશે પણ ક્યાંય અંધશ્રદ્ધા કે પરચા નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : Asia Cup 2025: એશિયા કપ 2025 માટે પાકિસ્તાન ટીમના ખેલાડીઓની જાહેરાત; આ ખેલાડીઓ થયા બહાર
નિલેશ મહેતાના દિગ્દર્શનમાં મહેર કરો મા મેલડીનું નિર્માણ કર્યું છે. રવિના નાગિરયા (શાહ)એ મહેર માતા પર એક સુંદર વાર્તા લખી હતી જેના પરથી અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મની પટકથા અને સંવાદ અશોક ઉપાધ્યાયે લખ્યા છે. ફિલ્મમાં નીરવ કલાલ, આરઝુ લિમ્બચિયા, રાજીવ પંચાલ, પૂજા સોની, ધરા ત્રિવેદી, નિકુંજ મહેતા ઉપરાંત પરેશ રાઠોડ, કૌશિકા ગોસ્વામી, પૂર્વી શાહ, વિરાજ સોલંકી, હંસા સોનાર, નૈષધ રાવલ, જૈવલ સોની અને પી. સી. કાપડિયા જેવા કલાકારો છે.

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા
ફિલ્મની વાર્તા એક બિઝનેસ મેન (રાજીવ પંચાલ) અને એમના પરિવારની છે જેમાં રાજીવનાં પત્નીની (પૂજા સોની)ના બોલ કોઈ ઉથાપી શકતું નથી. તેમનો પુત્ર (નીરવ કલાલ) સરળ સ્વભાવનો છે અને ધંધાના કામાર્થે ગામ જાય છે જ્યાં એક યુવતી (આરઝુ લિમ્બચિયા)ના પ્રેમમાં પડે છે. એટલું જ નહીં, એની સાથે લગ્ન પણ કરી લે છે. લગ્ન બાદ સાસરે આવેલી પુત્રવધુને સાસુ સ્વીકારવા તૈયાર નથી. અને શરૂ થાય છે સાસુ-વહુ વચ્ચે એક એવો સંઘર્ષ જેનો કોઈ અંત જણાતો નથી. પણ મહેર માતાની પરમ ભક્ત પુત્રવધુને વિશ્વાસ છે કે મહેર મા ચોક્કસ કૃપા વરસાવશે.
ફિલ્મ ક્યારે રિલીઝ કરી રહ્યા છો પ્રશ્નના જવાબમાં પ્રફુલભાઈ કહે છે કે અમે સેન્સર સટિર્ફિકેટ માટે અરજી કરી છે. જો સટિર્ફિકેટ મળી જાય તો પણ મહેર કરો મા મેલડીને સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે, કારણ રિલીઝ પહેલા ફિલ્મના પ્રચાર કરવા માટે પણ સમય જોઇશે.
મહેર કરો મા મેલડી બાદ બીજી ફિલ્મનું પ્લાનિંગ છે?
હા. બે ફિલ્મો પાઇપ લાઇનમાં છે જેમાં એકની વાર્તા ભાઈ-બહેન પર આધારિત છે અને બીજી ફિલ્મ છે દેરાણી જેઠાણી. મહેર કરો મા મેલડી રિલીઝ થયા બાદ દેરાણી જેઠાણી શરૂ કરશું. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી નિલેશ મહેતાને જ સોંપી છે.
નિલેશ મહેતાની વાત નીકળી છે તો એક વાતનો ચોક્કસ ઉલ્લેખ કરીશ કે તેમના જેવો કો-ઓપરેટિવ દિગ્દર્શક મળવો મુશ્કેલ છે. મહેર કરો મા મેલડીના શૂટિંગ દરમિયાન તબિયત સારી ન હોવા છતાં સતત સેટ પર હાજર રહ્યા અને નિયત સમયમાં ફિલ્મનું શૂટિંગ પૂરૂં કર્યું. તો ફિલ્મના તમામ કલાકારોએ પણ પૂરો સહકાર આપ્યો હતો.