News Continuous Bureau | Mumbai
Shashi Tharoor એશિયા કપ દરમિયાન ભારતીય ક્રિકેટરો દ્વારા પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવવાનો ઇનકાર અને પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા મેદાન પર કરવામાં આવેલા હાવભાવ પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “મને વ્યક્તિગત રીતે લાગે છે કે એકવાર રમવાનો નિર્ણય લેવાઈ જાય, તો જો આપણે પાકિસ્તાન વિશે આટલું જ મક્કમતાથી વિચારતા હોઈએ તો આપણે રમવું જ નહોતું જોઈતું. પરંતુ જો આપણે તેમની સાથે રમવા જઈ રહ્યા છીએ, તો આપણે રમતની ભાવના સાથે રમવું જોઈએ અને આપણે તેમની સાથે હાથ મિલાવવો જોઈતો હતો.”
1999ના કારગિલ યુદ્ધનું ઉદાહરણ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે, “આપણે 1999માં પણ આવું કર્યું છે, જ્યારે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું. જે દિવસે આપણા સૈનિકો દેશ માટે શહીદ થઈ રહ્યા હતા, ત્યારે આપણે ઈંગ્લેન્ડમાં પાકિસ્તાન સામે વર્લ્ડ કપ રમી રહ્યા હતા. ત્યારે પણ આપણે તેમની સાથે હાથ મિલાવી રહ્યા હતા, કારણ કે રમતની ભાવના દેશો વચ્ચે અને સેનાઓ વચ્ચેની ભાવના કરતાં અલગ હોય છે. આ મારો વિચાર છે. જો પાકિસ્તાની ટીમ, પહેલીવાર અપમાનિત થયા પછી, બીજીવાર આપણું અપમાન કરવાનો નિર્ણય કરે છે, તો તે દર્શાવે છે કે બંને બાજુ રમતની ભાવનાનો અભાવ છે.”
આ સમાચાર પણ વાંચો : Indian Rupee: રૂપિયાએ ચાલી પોતાની ચાલ, કરન્સી રિંગમાં ડોલર સામે આટલા પૈસાની કરી રિકવરી
એશિયા કપ દરમિયાન સામે આવેલા વિવાદો
એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં હાથ ન મિલાવવા ઉપરાંત અન્ય ઘણા વિવાદો પણ સામે આવ્યા, જેમાં પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા ફાઇટર જેટ જેવી એક્શનનો સમાવેશ થાય છે, જે ઘણો વિવાદાસ્પદ બન્યો હતો. આ સિવાય, બેટથી ગન વાળો પોઝ પણ વિવાદનું કારણ બન્યો હતો. આ મુદ્દો માત્ર રમત પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ રાજકીય ચર્ચાનો ભાગ પણ બની ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હંમેશાથી એક રાજકીય અને ભાવનાત્મક મુદ્દો રહ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ 2012થી બંધ છે અને મેચો ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ અથવા એશિયા કપ જેવા આયોજનોમાં જ રમાય છે.