News Continuous Bureau | Mumbai
- સુરતના સૈયદપુરા કાછીયા શેરીના એક જ ઘરમાં ૧૫૦ વર્ષથી હસ્તકલાને જીવંત રાખતી પિતા-પુત્રની જોડી
- દેશનો એક માત્ર સાડેલી હસ્તકલા વર્ક શોપમાં સચવાયેલ છે
- સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે
- ઈન્ટિરિયર ડિઝાઈનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા
- G20 સમિટમાં દેશ-વિદેશના ડેલિગેટસને સુરતની જગવિખ્યાત સાડેલી હસ્તકલાના આર્ટિકલની ભેટ અપાઈ હતી
- સમગ્ર દેશમાં સુરતના પેટીગરા પરિવારના માત્ર બે કુશળ કલાકારો આ કલા સાથે જોડાયેલા છે
Sadeli Art માહિતી બ્યુરો-સુરત, રવિવાર: ભારત વિશ્વમાં પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે વિવિધ પ્રાચીન અને પારંપરિક હસ્તકળાઓ માટે પણ પ્રસિદ્ધ છે. વર્ષોથી ભારતીય હસ્તકળા સમાજની ઓળખ અને લોકજીવનની કલાત્મક અભિવ્યક્તિ પણ છે. દરેક પ્રદેશની પોતાની અનોખી હસ્તકલા હોય છે, આવી જ એક દુર્લભ, ૧૨૦૦ વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર ભારતની અતિસય બારિકાઈ ભરેલી ‘સાડેલી વુડ ક્રાફ્ટ’ લુપ્ત પ્રાય અવસ્થામાં રહેલ સુરતની સાડેલી આર્ટને હસ્તકલાને સુરતના સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા પેટીગરા પરિવાર ૧૫૦ વર્ષથી જીવંત રાખી રહ્યા છે. જેમાં આજે ના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે આ કળાને સાચવી રહી છે. પોતાના નાનકડા ઘરથી સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. સમગ્ર દેશમાં સુરતના આ પરિવારના માત્ર બે કલાકારો આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે.પહેલાના સમયમાં રાજ-મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડાઓમાંથી નકશીકામ અને સાડેલી વર્ક વાળી પેટીઓ આજે પણ કળાના કદરદાન લોકોને આકર્ષે છે. દેશનો એક માત્ર અને છેલ્લો સાડેલી હસ્તકલા વર્ક શોપ સુરતમાં છે, જેના મૂળમાં સુરતના જીતેન્દ્રભાઈ અને રાકેશભાઈ પેટીગરા પિતા-પુત્રની જોડી છે. સમગ્ર ભારતમાં આ કલા લુપ્ત થવાની કગાર પર છે, ત્યારે આ કલાની વિરાસતને તેઓ સાચવી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે.
૧૯૯૯માં ઈન્ટિરિયર ડિઝાઈનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા ગોલ્ડ મેડાલિસ્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. રાકેશભાઈ જણાવે છે કે, સાડેલી વુડન આર્ટ એ સુરતની ઓળખ છે જેને GI ટેગ પણ મળ્યો છે. તે ભારતની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને મૂળ પર્શિયન સંસ્કૃતિની ૧૨૦૦ વર્ષ જૂની છે. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમની સાથે આ કળાને લાવ્યા હતા. પર્શિયન લોકો સુરતમાં સ્થાળતરિત થયા ત્યારે ભારતમાં આ કળા પ્રચલિત થઈ.
સમયાંતરે કળાનો વ્યાપ સુરતના કોટ વિસ્તારમાં મર્યાદિત હતો. હજારો વર્ષ પહેલાં બારીકાઈથી થતું આ વુડન આર્ટ આજે પણ એ જ ઝીણવટભરી, બારીકાઈ અને ચોકસાઈથી થઈ રહ્યું છે. સાડેલી વુડ ક્રાફ્ટમાં લાકડાના નાના નાના ટુકડાઓના ભૌમિતિક આકારમાં જોડવામાં આવે છે, જેને પર્શિયન ખાતમકારી તરીકે પણ ઓળખાય છે એમ તેઓ જણાવે છે.
રાકેશભાઈ પેટીગરાએ જણાવ્યું હતું કે, આ કળા અમારી સાથે અને અમારા પછી પણ જીવંત રહે એ જ મારો ઉદ્દેશ છે. સાડેલી આર્ટ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક વારસો છે, જે પેઢી દર પેઢી જીવંત રહે એ માટે પુરુષાર્થ અને સમર્પણ જરૂરી છે. કળાને જીંવત રાખવા દરેક નાગરિકોએ એક આર્ટિકલ્સ ખરીદવા અનુરોધ કર્યો હતો. વધુમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’ થકી દેશી, સ્વદેશી ઉત્પાદનોને મજબૂતી આપવા પ્રયાસ થાય છે, જે અમારા જેવા હસ્તકલા કારીગરો માટે સંજીવની બનશે.
શિલ્પકાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે, સુરતની આ હસ્તકલા માટે સરકાર તરફથી પિતા જીતેન્દ્રભાઈને વર્ષ ૨૦૦૨માં સ્ટેટ એવોર્ડ અને ૨૦૦૫માં રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. મને વર્ષ ૨૦૨૧માં લુપ્ત થતી કળાને જીંવત રાખવા ‘કમલા’ એવોર્ડ મળ્યો છે. આ સાથે વર્ષ ૨૦૨૨માં રાજ્ય પુરસ્કાર અને ૨૦૨૩માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેમજ ૨૦૨૪માં રાજ્ય પુરસ્કાર એનાયત થયો છે. દેશના એક માત્ર અમારા વર્ક શોપમાં સાડેલી વુડન આર્ટને જીંવત રાખવા માટે અત્યાર સુધીમાં ૪૫૦થી ૫૦૦ કલા રશિકોને કળાથી અવગત કર્યા છે. આ કળા પાછળ કારીગરોની વર્ષોની મહેનત, વ્યક્તિગત રસ અને ધીરજ સમાયેલા છે.
લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટને ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલા આ પરિવારના રાકેશભાઈને ‘કમલા એવોર્ડ’થી પણ નવાજવામાં આવ્યા છે. તેમની કાર્યશાળામાં આજે પણ વિવિધ કુદરતી રંગીન લાકડાઓનો ઉપયોગ કરીને પરંપરાગત ડિઝાઇનથી માંડીને આધુનિક ઈન્ટિરિયર ફર્નિચર સુધી અનેક વસ્તુઓ તૈયાર થાય છે. દેશનો એક માત્ર સાડેલી હસ્તકલા વર્ક શોપમાં સચવાયેલ છે કે જેમાં કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે.
આ પરિવાર માટે કલા એ વ્યવસાય નથી એ તો સાધના છે. જ્યારે આજે મોટા ભાગનાં યુવાન વધુ નાણા કમાવાની લ્હાયમાં અવિચારી દોટ મૂકે છે, ત્યારે પેટીગરા પરિવારની નવી પેઢીએ પણ પોતાના વડીલોના પગલે ચાલીને આ કલા સાથે પોતાના જીવનને જોડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Nichabhang Rajyoga: ૧૨ મહિના બાદ બનશે ‘નીચભંગ રાજયોગ’; શુક્રદેવ ને કારણે ‘આ’ ૩ રાશિઓ પર થશે ધન-સંપત્તિનો વરસાદ
સાડેલી આર્ટ વોકલ ફોર લોકલનું ઉત્તમ ઉદાહરણ
વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા દેશી ઉત્પાદનોને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. સાડેલી આર્ટને પણ હવે આ દિશામાં પાંખ મળી રહી છે. ૨૦૨૩ની G20 સમિટમાં દેશ-વિદેશના મહેમાનોને પેટીગરા પરિવાર દ્વારા તૈયાર કરાયેલ ડેસ્ક કેલેન્ડર, બોક્સ જેવી સાડેલી આર્ટની કૃતિઓ ભેટરૂપે અપાઈ હતી. આ સાથે વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન દેશ-વિદેશના ડેલીગેટ્સને સુરતની સાડેલી હસ્તકલાના આર્ટિકલની ભેટ અપાઈ રહી છે. જે ભારતની શાન છે. પેટીગરા સાડેલી આર્ટ કે જે સુરતની એક માત્ર GI હસ્તકલા છે. સ્વદેશી અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે.
આ સાથે સુરતની વિશિષ્ટ સાડેલી હસ્તકલાને GI (Geographical Indication) ટેગ પણ મળ્યો છે, જે તે કળાની ઓળખ, વારસા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે.
સુરતનો સાડેલી આર્ટ વર્કશોપ દેશના એકમાત્ર સાડેલી હસ્તકલા વર્કશોપ તરીકે ઓળખાય છે, જે હજુ સુધી જૂની પરંપરાગત ટેક્નિકો યથાવત રાખીને મોર્ડન ઓજારો સાથે નવી રીતે પણ આર્ટિકલ તૈયાર કરીને આધુનિક સમયની જરૂરિયાતો સાથે તાલ મિલાવતો થયો છે.
સાડેલી આર્ટનો ઈતિહાસ:
સાડેલી આર્ટએ લાકડાથી બનતા દરેક ફર્નિચર, શો પીસ અથવા તો ગિફ્ટ બોક્સ પર હાથ વડે બારીકાઈથી કરવામાં આવતી સુંદર અને આકર્ષક કલા છે. તેનો ઈતિહાસ ૧૨૦૦ જૂનો છે, જ્યારે પારસીઓ ભારત આવ્યા અને તેમની સાથે આ કલા પણ આવી. ટૂંક સમયમાં આ કળા ગુજરાતમાં વસેલા લોકલ કલાકારો દ્વારા અપનાવવામાં આવી અને વિકાસ પામતી ગઈ. લાકડાની ઝીણવટભરી ડિઝાઇન અને કુદરતી રંગીન લાકડાઓથી બનેલા ફર્નિચર, બોક્સ અને શો-પીસોમાં ભારતીય વારસાની શક્તિ છે. ઈ.સ. ૧૬૦૦માં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વેપાર કરતી હતી, ત્યારે આ કળા ‘મુંબઈ બોક્સ’ તરીકે જાણીતી હતી. તેમજ તેના નમૂનોઓ યુરોપિયન માર્કેટમાં પણ પહોંચતા હતા.