News Continuous Bureau | Mumbai
Jamnagar flyover મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે
૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ
જામનગર તા.૨૪ નવેમ્બર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.
વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.
આ સમાચાર પણ વાંચો : Ramlala’s clothes: રામલલાના વસ્ત્રોમાં સોનાનો ઉપયોગ, શિયાળાની ઠંડીથી બચાવવા માટે ખાસ પ્રકારની શાલની વ્યવસ્થા.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી શ્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ શ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા શ્રી આશિષ જોશી, દંડક શ્રી કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ શ્રી બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.