News Continuous Bureau | Mumbai
Russia Sanctions રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા હમણાં જ પૂર્ણ થઈ છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. જોકે, મોસ્કો પરત ફરતા જ પુતિનને એક મોટો આંચકો લાગી શકે છે. વિશ્વની સૌથી ધનિક લોકશાહી અર્થવ્યસ્થાઓ ધરાવતા G7 દેશો અને યુરોપિયન યુનિયન રશિયાના દરિયાઈ તેલ વેપાર પર અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં લાગી ગયા છે. આ દેશો રશિયા વિરુદ્ધ એક નવી ‘મહાસાજિશ’ રચી રહ્યા છે, જે રશિયન તેલની કિંમત મર્યાદાને સંપૂર્ણપણે સમાપ્ત કરીને પશ્ચિમી ટેન્કરો, વીમા અને ધ્વજનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકશે. આ પગલું રશિયાની યુદ્ધ અર્થવ્યવસ્થાને સીધું નિશાન બનાવશે, કારણ કે તેલ રશિયાના કેન્દ્રીય બજેટનો લગભગ એક-ચતુર્થાંશ હિસ્સો પૂરો પાડે છે.
પ્રાઇસ કેપ સમાપ્ત કરી સંપૂર્ણ દરિયાઈ પ્રતિબંધની યોજના
વર્ષ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ G7 અને EU દેશોએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ વૈશ્વિક બજારને સ્થિર રાખવા માટે ‘પ્રાઇસ કેપ’ નામની એક નીતિ અપનાવી હતી. આ નીતિ હેઠળ, જો રશિયન ક્રૂડ ઓઇલની કિંમત $60 પ્રતિ બેરલથી નીચે હોય, તો પશ્ચિમી શિપિંગ અને વીમા સેવાઓનો ઉપયોગ કરવાની છૂટ હતી. જોકે, રશિયાએ ‘શેડો ફ્લીટ’ નામનો ગુપ્ત જહાજી બેડો વિકસાવીને આ નિયમમાંથી છટકબારી શોધી લીધી. હવે G7 અને EU આ ‘પ્રાઇસ કેપ’ને સંપૂર્ણપણે ખતમ કરીને રશિયન તેલના નિકાસ પર સંપૂર્ણ દરિયાઈ સેવા પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે. એટલે કે, રશિયન તેલ લઈ જતાં કોઈપણ જહાજને પશ્ચિમી ટેન્કર, વીમા અથવા નોંધણી સેવાઓ નહીં મળે.
રશિયા માટે મોટો આંચકો અને શેડો ફ્લીટ પર નિર્ભરતા
જો આ સંપૂર્ણ દરિયાઈ પ્રતિબંધ લાગુ થાય, તો તે રશિયા માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો હશે. રશિયા હજુ પણ તેના તેલનો એક-તૃત્યાંશથી વધુ ભાગ પશ્ચિમી દેશોની માલિકીના જહાજો અને સેવાઓ દ્વારા મોકલે છે. ખાસ કરીને ગ્રીસ, સાયપ્રસ અને માલ્ટા જેવા EU દેશોના ટેન્કરોનો ઉપયોગ ભારત અને ચીન જેવા એશિયન બજારોમાં તેલ નિકાસ કરવા માટે થાય છે. પ્રતિબંધ લાગુ થવાથી રશિયાને પોતાનો ‘શેડો ફ્લીટ’ — એટલે કે જૂના, ઓછા સુરક્ષિત અને અસ્પષ્ટ માલિકીના જહાજો —ને બમણું કરવાની ફરજ પડશે, અથવા તો તેલનો નિકાસ ઘટાડવો પડશે. હાલમાં જ EU એ તેને તેમના આગામી (20મા) પ્રતિબંધ પેકેજમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે 2026ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : IndiGo flight cancelled: એર ટ્રાવેલની મુશ્કેલીનો અંત: રેલવે મેદાને આવ્યું, ૩૭ ટ્રેનોમાં વધારાના કોચ અને સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનની જાહેરાત!
અમેરિકાનું વલણ અને વૈશ્વિક ઊર્જા બજાર પર અસર
આ પ્રસ્તાવિત પ્રતિબંધ લાગુ થવા માટે G7 દેશોની વ્યાપક સહમતિ જરૂરી છે. બ્રિટન અને અમેરિકા આની આગેવાની લઈ રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય અમેરિકાની નીતિ પર નિર્ભર રહેશે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર પ્રાઇસ કેપ પ્રત્યે અસંશયજનક રહ્યું છે. પશ્ચિમી સરકારોનું માનવું છે કે તેમનો મુખ્ય લક્ષ્ય વૈશ્વિક તેલ બજારને અસ્થિર કર્યા વિના રશિયાની યુદ્ધકાલીન આવક ઘટાડવાનો છે. જો આ પ્રતિબંધ લાગુ થશે, તો વૈશ્વિક તેલ બજારમાં મોટી ઉથલપાથલ મચી શકે છે, કારણ કે રશિયા વિશ્વના મુખ્ય તેલ નિકાસકારોમાંનું એક છે. આનાથી વૈશ્વિક ઊર્જા યુદ્ધ નવી ઊંચાઈઓ પર પહોંચી જશે.