News Continuous Bureau | Mumbai
Maharashtra Nagar Parishad Election Result મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ બાજી મારી લીધી છે. તાજેતરમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીમાં મહાયુતિએ શાનદાર પ્રદર્શન કરતા 288 માંથી 212 બેઠકો પર વિજય મેળવ્યો છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસના ગઠબંધનને માત્ર 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.આ ચૂંટણીની સૌથી રસપ્રદ વાત એ રહી કે મહાયુતિના ત્રણેય પક્ષો – ભાજપ, શિવસેના અને એનસીપી – ઘણી જગ્યાએ એકબીજાની સામે લડ્યા હોવા છતાં તેમનો જ પક્ષ ભારે રહ્યો હતો. ભાજપે રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. મહાયુતિના આ ત્રણેય પક્ષોએ અલગ-અલગ લડીને જે એકતરફી જીત મેળવી છે, તેની સામે મહાવિકાસ અઘાડીની એકતા પણ કામ ન આવી.
નગર પરિષદ અને પંચાયતમાં વિપક્ષનો સફાયો
નગર પરિષદની 246 બેઠકોમાંથી ભાજપે 100, એકનાથ શિંદેની શિવસેનાએ 45 અને અજિત પવારની એનસીપીએ 33 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 26, ઉદ્ધવની સેનાને 7 અને શરદ પવારની પાર્ટીને માત્ર 8 બેઠકો મળી છે. નગર પંચાયતની 42 બેઠકોમાં પણ ભાજપે 23 બેઠકો સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજ ઠાકરેની મનસે આ ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.
દોસ્તીને બદલે ‘દુશ્મની’ નો દાવ સફળ રહ્યો
લોકસભા અને વિધાનસભામાં સાથે લડનારા ભાજપ, શિંદે અને અજિત પવારે સ્થાનિક ચૂંટણીમાં એકબીજાની સામે ઉમેદવારો ઉતાર્યા હતા. આ એક વ્યૂહાત્મક ચાલ હતી, જેનાથી મહાવિકાસ અઘાડીના પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ વિપક્ષી નેતાઓએ મહાયુતિના જ કોઈ એક પક્ષને ટેકો આપવો પડ્યો હતો, જેનો અંતે ફાયદો મહાયુતિને જ થયો. આ રણનીતિથી વિપક્ષનો ગેમ પ્લાન પૂરેપૂરો ખોરવાઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War: રશિયાનો વિનાશક હુમલો: ૧૩૦૦ ડ્રોન અને ૧૨૦૦ ગાઈડેડ બોમ્બથી યુક્રેન ધણધણી ઉઠ્યું, આકાશમાંથી વરસી રહી છે ‘મોત’!
મહારાષ્ટ્રમાં હવે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર
રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યમાં પણ જીત મેળવીને મહાયુતિએ ‘ટ્રિપલ એન્જિન’ સરકાર સ્થાપિત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને રેકોર્ડબ્રેક ગણાવી છે. પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ગઠબંધને જોરદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બારામતીમાં અજિત પવારની જીત શરદ પવાર માટે મોટો આંચકો માનવામાં આવે છે. આ જીત આગામી બીએમસી અને અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે ગઠબંધનને વધુ મજબૂતી આપશે.