News Continuous Bureau | Mumbai
Karnataka Bus Accident કર્ણાટકના ચિત્રદુર્ગમાં આજે સવારે નેશનલ હાઈવે-48 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી ‘સી બર્ડ’ (Sea Bird) ટ્રાવેલ્સની ખાનગી સ્લીપર બસ સાથે સામેથી આવતી એક લોરી ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જોતજોતામાં બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં કુલ ૩૨ મુસાફરો સવાર હતા, જેમાંથી ૧૦ થી વધુ લોકો બસની અંદર ફસાઈ જવાને કારણે જીવતા સળગી ગયા હતા.
કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હિરીયુરથી બેંગલુરુ જઈ રહેલા લોરી ચાલકે ભારે બેદરકારી દાખવી હતી. તેણે અચાનક ડિવાઈડર ઓળંગીને સામેના ટ્રેક પર આવી રહેલી બસને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બહાર નીકળવાની તક જ ન મળી. બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
અકસ્માતમાં બચી ગયેલા ૨૨ મુસાફરોને ગંભીર હાલતમાં હિરીયુર અને ચિત્રદુર્ગની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકો અને બચાવ દળે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે…
બસ કંડક્ટરની આપવીતી
બસના કંડક્ટર એ જણાવ્યું કે, “અકસ્માત સમયે હું ઊંઘી રહ્યો હતો. અચાનક મોટો અવાજ આવ્યો અને બારીના કાચ તૂટી ગયા, જેના કારણે હું સીધો બસની બહાર ફેંકાઈ ગયો. મને માત્ર એટલું જ યાદ છે કે કેટલાક લોકો મને હોસ્પિટલ લઈ આવ્યા.” બસના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેની સારવાર ચાલી રહી છે.