News Continuous Bureau | Mumbai
Mumbai BJP મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાઓમાં ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું છે. પ્રચારના ગરમાવા વચ્ચે ભાજપે શિસ્તભંગના મામલે આકરું વલણ અપનાવ્યું છે. મુંબઈ ભાજપ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા ૨૬ સભ્યોને છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
કયા મોટા નેતાઓ સામે થઈ કાર્યવાહી?
ભાજપના વરિષ્ઠ નેતાઓના આદેશ બાદ મુંબઈ એકમે આ યાદી જાહેર કરી છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં પૂર્વ કોર્પોરેટરો અને જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે:
આસાવરી પાટીલ, નેહલ શાહ અને જાનવી રાણે: આ પૂર્વ કોર્પોરેટરોને પક્ષવિરોધી ગતિવિધિ બદલ સસ્પેન્ડ કરાયા છે.
આ સિવાય દિવ્યા ઢોલે, જયમુરુગન નાડાર અને શોભા સાળગાવકર પર પણ સસ્પેન્શનની કુહાડી ચાલી છે. આ નેતાઓએ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અથવા બીજા પક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.
મલાડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન: અન્નામલાઈ મેદાનમાં
એકતરફ બળવાખોરો સામે કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપ પ્રચારમાં કોઈ કસર છોડી રહ્યું નથી. મલાડ (વોર્ડ નં. 47) માં ભાજપના યુવા ઉમેદવાર તેજિંદર સિંહ તિવાના ના સમર્થનમાં તમિલનાડુના ભાજપ નેતા અને સાંસદ અન્નામલાઈ એ પ્રચંડ પ્રચાર કર્યો હતો. અહીં દક્ષિણ ભારતીય મતદારોને આકર્ષવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Delhi NCR: દિલ્હી-NCRમાં વરસાદથી ઠંડીમાં પ્રચંડ વધારો: પારો 5 ડિગ્રીએ પહોંચ્યો, ધુમ્મસ અને વરસાદના કારણે ટ્રેનો 16 કલાક સુધી મોડી
૧૦ હજારથી વધુ મતોથી જીતવાનો વિશ્વાસ
મલાડમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના (UBT) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. તેજિંદર સિંહ તિવાનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના માતા-પિતાએ આ વિસ્તારમાં કરેલા કામોને કારણે તેઓ ૧૦ હજારથી વધુ મતોની સરસાઈથી જીતશે. મુંબઈ મહાનગરપાલિકાની આ ચૂંટણીના પરિણામો ૧૬ જાન્યુઆરીએ જાહેર થશે.