News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રત્યક્ષ પ્રચાર 48 કલાક પહેલા જ બંધ થઈ ગયો છે, પરંતુ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને વોટ્સએપ ગ્રુપોમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયેલું છે. મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ, ઉત્સવ મંડળો, મોર્નિંગ વોક ગ્રુપો અને કોલેજ યુવાનોના ગ્રુપો અત્યારે ડિજિટલ રણમેદાન બની ગયા છે. આ ગ્રુપોમાં મરાઠી અને અમરાઠી મતદારો વચ્ચે ઉગ્ર દલીલો અને મેસેજ યુદ્ધ જોવા મળી રહ્યું છે. કાર્યકર્તાઓ અને સમર્થકો પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે વિવિધ પોસ્ટ દ્વારા અપીલ કરી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે અનેક હાઉસિંગ સોસાયટીઓના વોટ્સએપ ગ્રુપમાં સભ્યો વચ્ચે ઝઘડા ન થાય તે માટે ગ્રુપના અડમિને (Admin) સેન્ટિંગ બદલીને ‘ઓન્લી ફોર અડમિન’ કરી દીધું છે. મુંબઈના રહેવાસીઓ વચ્ચે ભાષા અને પ્રાંતના નામે વિભાજનનું ચિત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મરાઠી ભાષીઓ અને અમરાઠીઓ વચ્ચે મેસેજ વોર
વોટ્સએપ ગ્રુપોમાં બે પ્રકારના પક્ષો પડી ગયા છે. મરાઠી મતદારોને મોકલવામાં આવતા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, “મુંબઈ બચાવવા માટે મરાઠી ઉમેદવાર અને મરાઠી પક્ષને જ મતદાન કરો.” સંક્રાંતિના તહેવારને જોડીને “તિળગુળ લો અને મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલો” જેવા સંદેશાઓ દ્વારા મરાઠી અસ્મિતાના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમરાઠી મતદારોના ગ્રુપોમાં એવા મેસેજ ફરી રહ્યા છે કે, “જો મરાઠી પક્ષ સત્તામાં આવશે તો પરપ્રાંતિયોનું જીવવું મુશ્કેલ બની જશે.”
આ સમાચાર પણ વાંચો : IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
હાઉસિંગ સોસાયટીઓમાં તણાવપૂર્ણ સ્થિતિ
મુંબઈની બહુમાળી સોસાયટીઓમાં મિશ્ર વસ્તી હોવાથી ત્યાંના વોટ્સએપ ગ્રુપોમાં સૌથી વધુ વિવાદ જોવા મળી રહ્યો છે. એક જ ગ્રુપમાં અલગ-અલગ પક્ષોના સમર્થકો હોવાથી એકબીજાની પોસ્ટ પર કટાક્ષ અને દલીલો થઈ રહી છે. સોસાયટીના પદાધિકારીઓ અપીલ કરી રહ્યા છે કે રાજકારણને કારણે પડોશીઓ વચ્ચે સંબંધો ન બગડે, પરંતુ પ્રચારની આ નવી રીત પર કોઈનું નિયંત્રણ દેખાતું નથી. આડકતરી રીતે કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા દ્વારા આચારસંહિતાનો ભંગ કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે.
‘ઓન્લી અડમિન’ અને સાવચેતીના પગલાં
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાતો અને પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, ખાનગી ગ્રુપોમાં થતી ચર્ચાને રોકવી મુશ્કેલ છે. વિવાદ વધતા જોઈને ઘણા ગ્રુપ અડમિન્સે એવી નોટિસ મૂકી છે કે, “આ ગ્રુપ માત્ર સોસાયટીના કામકાજ માટે છે, અહીં રાજકીય ચર્ચા કરનારને ગ્રુપમાંથી બહાર કાઢવામાં આવશે.” તેમ છતાં, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોના ગ્રુપોમાં હજુ પણ મતદાનના વલણ અંગે ‘તું-તું, મેં-મેં’ ચાલુ છે.
Join Our WhatsApp Community