News Continuous Bureau | Mumbai
Mumbai Metro 9 Update: મુંબઈ અને મીરા-ભાઈંદર વચ્ચે પ્રવાસ કરતા લાખો લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દહિસર થી મીરા-ભાઈંદર મેટ્રો-9 (Metro-9) લાઇનનો પ્રથમ તબક્કો શરૂ કરવા માટે ‘કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી’ (CMRS) તરફથી અંતિમ સુરક્ષા પ્રમાણપત્ર મળી ગયું છે. આ સાથે જ મેટ્રો-9 ના ઉદઘાટનનો માર્ગ મોકળો થઈ ગયો છે અને ફેબ્રુઆરી 2026 ના પ્રથમ અઠવાડિયામાં આ સેવા શરૂ થવાની શક્યતા છે.મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા આ રૂટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મેટ્રો-9 ની સાથે જ મંડળે થી ડી.એન. નગર મેટ્રો 2B (Metro 2B) લાઇનનો પ્રથમ તબક્કો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સુરક્ષા પ્રમાણપત્ર મળ્યા બાદ હવે માત્ર ઉદઘાટન માટેના મુહૂર્તની રાહ જોવામાં આવી રહી છે.
પ્રથમ તબક્કામાં દહિસર થી કાશીગાંવ સુધી પ્રવાસ
દહિસર થી મીરા-ભાઈંદર મેટ્રો-9 ની કુલ લંબાઈ 13.6 કિમી છે અને આખા રૂટ પર 10 સ્ટેશનો હશે. જોકે, ફેબ્રુઆરીમાં શરૂ થનારા પ્રથમ તબક્કામાં દહિસર થી કાશીગાંવ વચ્ચેના 4.4 કિમીના અંતર પર મેટ્રો દોડાવવામાં આવશે. આનાથી દહિસર ચેક નાકા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિક જામમાંથી મુસાફરોને મોટી રાહત મળશે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
મેટ્રો 2B નું ઉદઘાટન પણ ટૂંક સમયમાં
મેટ્રો-9 ની સાથે જ મંડળે થી ચેમ્બુર વચ્ચેના મેટ્રો 2B રૂટને પણ મંજૂરી મળી ગઈ છે. આ રૂટ માટે સુરક્ષા પ્રમાણપત્ર ત્રણ મહિના પહેલા જ મળી ગયું હતું, પરંતુ પાલિકાની ચૂંટણીઓ અને ઉદઘાટન માટે માન્યવરોનો સમય ન મળવાને કારણે તે અટકેલું હતું. હવે ફેબ્રુઆરીમાં બંને મેટ્રો લાઇનના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે.
પશ્ચિમ મુંબઈની કનેક્ટિવિટીમાં થશે વધારો
મેટ્રો-9 લાઇન હાલની મેટ્રો-7 (દહિસર-ગુંદવલી) સાથે જોડાયેલી હોવાથી, મુસાફરો સીધા જ ભાઈંદર થી ગુંદવલી (અંધેરી) સુધીનો પ્રવાસ મેટ્રો દ્વારા કરી શકશે. આનાથી લોકલ ટ્રેન અને બસ પરનું ભારણ ઘટશે અને પ્રવાસનો વેગ વધશે. MMRDA ના આયોજન મુજબ, જાન્યુઆરી 2026 માં જ આ સેવા શરૂ થવાની હતી, પરંતુ કામમાં થોડા વિલંબ બાદ હવે ફેબ્રુઆરીમાં તે સેવામાં આવશે.