News Continuous Bureau | Mumbai
વિદેશ મંત્રાલયના સમર્થન સાથે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ કોન્ક્લેવ અને પ્રદર્શનનું યાદગાર સમાપન થયું છે. આ કોન્ક્લેવ તેમજ તેની સાથે યોજાયેલા જ્ઞાનવર્ધક પ્રદર્શને હજારો મુલાકાતીઓ પર કાયમી પ્રભાવ છોડ્યો છે. જ્યોત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પહેલ અંતર્ગત નીતિ નિર્ધારકો, ન્યાયશાસ્ત્રીઓ, રાજદ્વારીઓ, વિદ્વાનો, વિદ્યાર્થીઓ, પરિવારો અને યુવાનોએ પ્રાચીન ભારતીય જ્ઞાન આજના જટિલ વિશ્વને કેવી રીતે માર્ગદર્શન આપી શકે તે દિશામાં સામૂહિક મંથન કર્યું. આ કોન્ક્લેવ દરમિયાન માનવ સભ્યતાલક્ષી અભ્યાસ સાથે શૈક્ષણિક ક્ષેત્રને જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે MoU પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

એક સપ્તાહ સુધી ચાલેલી આ કોન્ક્લેવ – ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ ના કેન્દ્રમાં 20,000+ ચોરસ ફૂટનું ભવ્ય પ્રદર્શન હતું, જેમાં વ્યક્તિને- પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે જોડતા 12 શાશ્વત પ્રાચીન ભારતીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હતા. વાર્તા કહેવાની શૈલી (storytelling), વિઝ્યુઅલ ડિઝાઇન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેની એક ચિંતનશીલ યાત્રા તરીકે ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રદર્શને મુલાકાતીઓને જીવનનાં મૂલ્યોનો વાસ્તવિક અનુભવ કરાવ્યો. ગજેન્દ્ર સિંહ શેખાવત અને અમૃતા ફડણવીસ જેવાં મહાનુભાવોએ આ પહેલની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
સાત દિવસ સુધી ચાલેલી આ કોન્ક્લેવમાં ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા-વિચારણા, પ્રાયોગિક ફોર્મેટ્સ અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારંભમાં સમકાલીન શાસન, કાયદો, અર્થશાસ્ત્ર અને સામાજિક જીવનમાં માનવ-સભ્યતા આધારિત વિચારધારાની પ્રસ્તુતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બી. એન. શ્રીકૃષ્ણ અને ભૂષણ આર. ગવઈ સહિતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓએ સમજાવ્યું કે કેવી રીતે બંધારણીય મૂલ્યો, ન્યાય અને નૈતિકતા સમાજના નૈતિક પાયાથી અલગ રહી શકે નહીં.

આ કોન્ક્લેવ દરમિયાન યોજાયેલાં કાનૂની સત્રોમાં સૌથી વધુ હાજરી જોવા મળી હતી. બંધારણીય ન્યાયશાસ્ત્ર, કાયદાનું શાસન, જવાબદારી અને ન્યાય પરની પેનલોએ શાસનના દાર્શનિક પાયાની છણાવટ કરી હતી. કૃષ્ણન વેણુગોપાલ, ડેરિયસ ખંભાતા, રફીક દાદા, જમશેદ કામા, ચેતન કાપડિયા અને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ એસ. દ્વારકાનાથ સહિતના વરિષ્ઠ વકીલોએ સત્તા અને જવાબદારી વચ્ચેનું સંતુલન, સંસ્થાકીય સંકલન અને રાજ્યની નૈતિક જવાબદારી પર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ સત્રોમાં કાયદાના વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જે ભવિષ્યના નેતૃત્વ ઘડતર અંગેના કોન્ક્લેવના ઉદ્દેશને વધુ મજબૂત બનાવે છે.
આર્થિક અને ભૂ-રાજકીય (Geopolitics) પેનલોએ વૈશ્વિક અસ્થિરતા, આર્થિક વિચારધારાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ તથા વૈકલ્પિક વિકાસ મોડલ્સની સંભાવના અંગે ચર્ચા કરી હતી. ડૉ. અરવિંદ ગુપ્તા, એસ. ગુરુમૂર્તિ, વિજય ચોથાઈવાલે, શૌર્ય ડોભાલ, એમ્બેસેડર રુચિરા કંબોજ અને સૌમ્ય કાંતિ ઘોષ જેવા વિચારકોએ પ્રવર્તમાન વૈશ્વિક માળખાઓની મર્યાદાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને નૈતિક સંતુલન, સર્વસમાવેશકતા તથા લાંબા ગાળાની ટકાઉ કાર્યક્ષમતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચર્ચા-વિમર્શ દરમિયાન સતત એ મુદ્દો ફરી-ફરી ઉપસ્થિત થતો રહ્યો કે આર્થિક બાબતો સામાજિક સુખાકારીથી અલગ ન હોઈ શકે.

ઔપચારિક ચર્ચા-સત્રો ઉપરાંત, કોન્ક્લેવ દરમિયાન શેરી નાટકો અને લાઈટ-એન્ડ-સાઉન્ડ પ્રસ્તુતિ દ્વારા સંસ્કૃતિ, કળા અને સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેનાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન એક જીવંત જાહેર વર્ગખંડમાં ફેરવાઈ ગયું હતું. સાત દિવસ દરમિયાન, વસુધૈવ કુટુમ્બકમને સહઅસ્તિત્વ માટેના વ્યવહારુ માળખા તરીકે જોવામાં આવ્યું હતું, જેમાં આયોજકોએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આ કોન્ક્લેવ મૂલ્યો, જવાબદારી અને સહિયારી માનવતામાં મૂળ ધરાવતી એક સતત યાત્રાની શરૂઆત છે.
યુવા ભાગીદારી ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ નું એક નિર્ણાયક પાસું રહ્યું. મૂટ કોર્ટ (Moot Court), મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN) અને નાલંદા વાદ (Nalanda Vaad) જેવા વ્યવહારિક કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને કાયદો, મુત્સદ્દીગીરી અને ફિલસૂફીની વાસ્તવિકતા સાથે ઝઝૂમવા માટે સક્ષમ બનાવ્યા. આ કાર્યક્રમોમાં માત્ર સંસ્થાઓનું અનુકરણ કરવા કરતાં પણ વિશેષ કાર્ય કર્યું; તેમણે સહભાગીઓને ધ્યેય, કર્તવ્ય અને નિર્ણય લેવાના વ્યાપક પરિમાણો ઉપર ચિંતન કરવા પ્રોત્સાહિત કર્યા. શિક્ષણવિદો અને વાલીઓએ નોંધ્યું કે યુવાનો માટે સમકાલીન અને પ્રસ્તુત ફોર્મેટમાં માનવ-સભ્યતાલક્ષી વિચારો સાથે જોડાવાની આ એક દુર્લભ તક હતી.