Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પૌત્રીને લેવા ગયેલા દાદી અને પૌત્રને બસ ડ્રાઈવરે અડફેટે લીધા; ડ્રાઈવરની બેદરકારીથી હસતું-રમતું પરિવાર વિખેરાયું.

by samadhan gothal
Mumbai School Bus Accident ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો

News Continuous Bureau | Mumbai
Mumbai School Bus Accident મુંબઈના ગિરગાંવ સ્થિત ખેતવાડી વિસ્તારમાં એક કાળજું કંપાવતી દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે માત્ર એક વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બાળકના 63 વર્ષીય દાદી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડી.બી. માર્ગ પોલીસે આ મામલે બસ ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ, ખેતવાડીમાં આવેલી એક બિલ્ડિંગ પાસે 63 વર્ષીય વૃદ્ધા તેમની પૌત્રીને સ્કૂલ બસમાંથી લેવા માટે ગયા હતા. તેમના ખોળામાં તેમનો એક વર્ષનો માસૂમ પૌત્ર પણ હતો. પૌત્રી બસમાંથી સુરક્ષિત ઉતરી ગયા બાદ, દાદી પૌત્રને તેડીને બસના આગળના ભાગથી રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે આગળ જોયા વગર અચાનક બસ ચાલુ કરી દેતા દાદી અને પૌત્ર બંને બસની અડફેટે આવી ગયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ માસૂમને મૃત જાહેર કરાયો

અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં દાદી અને માસૂમ પૌત્રને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ એક વર્ષના બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત દાદીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો

બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ડી.બી. માર્ગ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર સ્કૂલ બસના ડ્રાઈવરની અટકાયત કરી છે. તેની વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા અને માનવ મૃત્યુ નીપજાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો (FIR) નોંધવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે અકસ્માત સમયે બસમાં કોઈ એટેન્ડન્ટ હાજર હતો કે કેમ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More