News Continuous Bureau | Mumbai
Mumbai Fort Robbery મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલા ફોર્ટ વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. કેન્યાથી બાળકોના કપડાંના વેપાર અર્થે મુંબઈ આવેલી ૨૬ વર્ષીય મહિલાને બે નકલી પોલીસોએ લૂંટી લીધી છે. આરોપીઓએ પોતાને પોલીસ અધિકારી ગણાવીને મહિલા પાસેથી કુલ ₹66.45 લાખની રોકડ રકમ લૂંટી પલાયન થઈ ગયા છે. નૈરોબી (કેન્યા) ની રહેવાસી પીડિતા ખરીદી માટે નીકળી હતી ત્યારે ટેક્સીમાં એમ.જી. રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે વ્યક્તિઓએ અલાના સેન્ટર બિલ્ડિંગ પાસે તેમની ટેક્સી રોકાવી હતી. એક આરોપીએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી અને તપાસના નામે ટેક્સી ડ્રાઈવરને બહાર ઉતાર્યો હતો.
ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી
પીડિતા પાસે ખરીદી માટે બે બેગમાં મોટી રકમ હતી. બીજા માસ્કધારી આરોપીએ મહિલાને ડરાવી-ધમકાવીને રોકડ ભરેલી બેગ પડાવી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ મહિલાને ગેરમાર્ગે દોરવા માટે એવું કહ્યું હતું કે, “તમે પોલીસ સ્ટેશન આવો, ત્યાં વાત કરીશું,” અને આટલું કહીને તેઓ બાઇક પર છૂમંતર થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ
એમઆરએ માર્ગ પોલીસે આ મામલે લૂંટનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક આરોપીએ હેલ્મેટ અને બીજાએ કાળો માસ્ક પહેર્યો હતો જેથી તેમની ઓળખ છુપાવી શકાય. હાલમાં પોલીસ ફોર્ટ અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીઓના બાઇક નંબર અને તેઓ કયા રૂટ પર ભાગ્યા છે તેની માહિતી મળી શકે.