News Continuous Bureau | Mumbai
Trump’s Peace Plan: ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલા કર્યાના ૨૫ દિવસ બાદ હવે અમેરિકા શાંતિની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ સરકારે ઈરાનને ૧૫ મુદ્દાઓ ધરાવતી એક યોજના મોકલી છે. પાકિસ્તાને આ મામલે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી જેને ટ્રમ્પે લીલી ઝંડી આપી છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ઈરાની નેતૃત્વના ‘સારા લોકો’ સાથે તેમની વાતચીત ચાલી રહી છે.
ટ્રમ્પના ૧૫-સૂત્રીય પ્લાનના મુખ્ય મુદ્દાઓ
જોકે આખો દસ્તાવેજ હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી, પરંતુ અહેવાલો મુજબ આ પ્લાન ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે:
પરમાણુ કાર્યક્રમ: ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવો પડશે. જેમાં યુરેનિયમ સંવર્ધન રોકવું અને નતાન્ઝ, ફોર્ડો તથા ઈસ્ફહાન જેવી મહત્વની સુવિધાઓ બંધ કરવાનો સમાવેશ થાય છે.
મિસાઈલ અને પ્રોક્સી: ઈરાને તેની બેલેસ્ટિક મિસાઈલોની ક્ષમતા મર્યાદિત કરવી પડશે અને હિઝબુલ્લાહ તથા હુતી જેવા સંગઠનોને હથિયાર કે નાણાકીય મદદ આપવાનું બંધ કરવું પડશે.
દરિયાઈ માર્ગ: હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખુલ્લી રાખવી પડશે.
આ સમાચાર પણ વાંચો : Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
બદલામાં અમેરિકા શું આપશે?
જો ઈરાન આ ૧૫ શરતોનું પાલન કરવા તૈયાર થાય, તો ટ્રમ્પ સરકાર ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધોમાં મોટી રાહત આપી શકે છે. આનાથી ઈરાનની અર્થવ્યવસ્થાને ફરી બેઠી થવામાં મદદ મળી શકે છે. જોકે, આ માટે ઈરાને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને તેની ફેક્ટરીઓ અને લેબની તપાસ કરવાની છૂટ આપવી પડશે.
ઈરાન કેમ ભરોસો નથી કરી રહ્યું?
ઈરાન અત્યાર સુધી અમેરિકા સાથે સીધી વાતચીતનો ઈનકાર કરતું આવ્યું છે. ઈરાનનું માનવું છે કે આ પ્રસ્તાવ કોઈ નવી શાંતિ પહેલ નથી, પરંતુ જૂની નિષ્ફળ ગયેલી પરમાણુ વાટાઘાટોનું જ નવું સ્વરૂપ છે. ઈરાની નેતાઓનો તર્ક છે કે છેલ્લી વખત જ્યારે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે જ અમેરિકાએ તેમના પર હુમલો કર્યો હતો. નવી ગેરંટીઓ પર વિશ્વાસ કરવો ઈરાન માટે અત્યંત મુશ્કેલ છે, કારણ કે તેમને લાગે છે કે અમેરિકા ગમે ત્યારે પોતાના વચનથી ફરી શકે છે.