News Continuous Bureau | Mumbai
છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધે સમગ્ર વિશ્વને આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધું હતું. આ વૈશ્વિક તણાવની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી હતી. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયાના શરતી યુદ્ધવિરામની જાહેરાત કરતા જ બજારમાં નવી રોનક જોવા મળી છે. 14 દિવસના આ સીઝફાયર બાદ રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે અને બુધવારે સવારે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ 2.3% વધીને 4,811.66 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા છે, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 3.3% વધીને 4,840.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. અગાઉ મંગળવારે ભાવમાં 1.2% નો વધારો જોવા મળ્યો હતો, પરંતુ યુદ્ધવિરામના સમાચાર બાદ આ તેજી વધુ તીવ્ર બની છે.
ટ્રમ્પના નિવેદનથી બદલાયો બજારનો મિજાજ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે અમેરિકા ઈરાન પરના હુમલા બે અઠવાડિયા માટે સ્થગિત કરવા તૈયાર છે. ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જે વાતચીત માટે મજબૂત આધાર બની શકે છે. અગાઉ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલવા પર ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી, પરંતુ હવે સ્થિતિ હળવી થતી જણાય છે.
આ સમાચાર પણ વાંચો : US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
પાકિસ્તાનની મધ્યસ્થી અને આગામી રણનીતિ
આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાને મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનની મધ્યસ્થી બાદ જ અમેરિકાએ વાતચીત માટે આ સમય આપ્યો છે. અહેવાલો મુજબ, 10 એપ્રિલથી ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઔપચારિક ચર્ચા શરૂ થઈ શકે છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ સીઝફાયરનો અર્થ યુદ્ધનો અંત નથી.
સોનાના ભાવમાં આગળ શું થશે?
નિષ્ણાતોના મતે, સોનામાં આવેલી આ તેજી એક ‘રિલીફ રિએક્શન’ છે. જો ઈરાન કરારની શરતોનું પાલન નહીં કરે, તો બજારમાં ફરી અનિશ્ચિતતા આવી શકે છે. આ વર્ષની શરૂઆતમાં સોનાના ભાવમાં ભારે તેજી હતી, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ તેમાં 8% નો ઘટાડો નોંધાયો હતો. હવે જો તેલના પુરવઠા પર અસર પડશે તો અમેરિકામાં મોંઘવારી 4% થી વધી શકે છે, જે સોનાના ભાવને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે.