News Continuous Bureau | Mumbai
Russia Gold Sale। યુક્રેન સાથેના લાંબા યુદ્ધને કારણે રશિયાની અર્થવ્યવસ્થા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. યુદ્ધના પાંચમા વર્ષે રક્ષણ ખર્ચ, ઉર્જા ખર્ચ અને ચલણ પરના દબાણને સંભાળવા માટે વ્લાદિમીર પુતિનની સરકારે એક મોટું પગલું ભર્યું છે. રશિયાએ વર્ષ 2026માં અત્યાર સુધીમાં અંદાજે 22 ટન સોનું વેચી દીધું છે, જેનો મુખ્ય હેતુ દેશની વધતી જતી બજેટ ખાધને કાબૂમાં લેવાનો છે. આ ઘટનાએ વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે.
સોનાના વેચાણ પાછળનું ગણિત
રશિયાની સેન્ટ્રલ બેંકના આંકડા મુજબ, માર્ચના અંત સુધીમાં દેશની બજેટ ખાધ 61.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ આર્થિક ખાધને ભરવા માટે જાન્યુઆરીમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ હાઈ પર હોવાથી રશિયાએ 3 લાખ ઔંસ સોનું વેચીને અંદાજે 1.4 થી 1.68 અબજ ડોલરની આવક મેળવી છે. 1 એપ્રિલ 2026 સુધીમાં રશિયાનું ગોલ્ડ રિઝર્વ ઘટીને 2,304.76 ટન પર આવી ગયું છે, જેમાં ફક્ત માર્ચ મહિનામાં જ 6.22 ટનનો ઘટાડો નોંધાયો છે.
સ્થાનિક સ્તરે સોનાની માંગમાં વધારો
સરકાર ભલે સોનું વેચી રહી હોય, પરંતુ રશિયામાં સ્થાનિક સ્તરે સોનાની માંગમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. મોસ્કો એક્સચેન્જના ડેટા મુજબ, માર્ચ મહિનામાં સોનાના ટ્રેડિંગ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 350% નો વધારો થયો છે. રશિયન નાગરિકો પોતાની બચતને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેનું પ્રમાણ 2024માં રેકોર્ડ 75.6 ટન સુધી પહોંચ્યું હતું.
રશિયાની લાંબા ગાળાની આર્થિક રણનીતિ
નિષ્ણાતો માને છે કે રશિયા એકમાત્ર દેશ નથી જે સોનું વેચી રહ્યું છે, કારણ કે અન્ય દેશો પણ વધતા સંરક્ષણ અને ઉર્જા ખર્ચને પહોંચી વળવા આવું કરી રહ્યા છે. જોકે, ઐતિહાસિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, 2002 થી 2025 વચ્ચે રશિયાએ 1,900 ટનથી વધુ સોનું ખરીદીને પોતાનો ભંડાર મજબૂત કર્યો હતો. હાલમાં રશિયા અને ચીન વચ્ચે પણ ગોલ્ડ ટ્રેડમાં વધારો થયો છે, જેમાં 2025ના પ્રથમ છ મહિનામાં ચીનને કરવામાં આવેલી કિંમતી ધાતુઓની નિકાસ બમણી થઈ ગઈ છે.
👉 આ સમાચાર વાચો:
Gautam Adani। અબજોપતિઓની યાદીમાં અદાણીનો સિક્કો! મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા 100 ડોલર બિલિયન ક્લબ’ના નવા સભ્ય.