News Continuous Bureau | Mumbai
West Asia Crisis। ઈરાનઅમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં વધેલા જોખમોની સીધી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. જહાજો હવે જોખમી પશ્ચિમ એશિયાઈ માર્ગોને બદલે પનામા નહેર તરફ વળી રહ્યા છે. આ સ્થળાંતરને કારણે પનામા નહેર સત્તાધિકારીઓ માટે કમાણીનો નવો સ્ત્રોત બની છે, જ્યાં એક જહાજને ઝડપથી નીકળવા માટે ૪૦ લાખ ડોલર સુધીની ચૂકવણી કરવી પડી રહી છે.
કિંમતોમાં રેકોર્ડબ્રેક ઉછાળો
સામાન્ય રીતે પનામા નહેરથી પસાર થવા માટે જહાજ દીઠ સરેરાશ ૩ થી ૪ લાખ ડોલરનો ખર્ચ થાય છે. જોકે, હોર્મુઝમાં વધેલા સંઘર્ષને કારણે પ્રાધાન્યતા (Priority) સાથે પસાર થવા માટેના વધારાના શુલ્ક પણ ૨.૫ થી ૩ લાખ ડોલરથી વધીને સરેરાશ ૪.૨૫ લાખ ડોલર સુધી પહોંચી ગયા છે. કેટલીક કંપનીઓ તો લાંબી રાહ જોવાનું ટાળવા માટે અને ઝડપી સ્લોટ મેળવવા માટે ૪૦ લાખ ડોલર (આશરે ૩૩ કરોડ રૂપિયા) જેવી તોતિંગ રકમની બોલી લગાવી રહી છે.
સુરક્ષિત માર્ગ તરીકે પનામાની પસંદગી
વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલા વિશ્લેષકોના મતે, પશ્ચિમ એશિયામાં થઈ રહેલા ડ્રોન હુમલા અને બોમ્બમારાને કારણે શિપિંગ કંપનીઓ પનામા નહેરને વધુ સુરક્ષિત અને લાંબાગાળે વધુ કિફાયતી માની રહી છે. ઘણા ઈંધણ જહાજોએ તેમનો રૂટ બદલીને હવે પનામા તરફ પ્રયાણ કર્યું છે. આ બદલાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને સ્લોટ મેળવવા માટે કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ છે.
પનામા માટે બેધારી તલવાર
એક તરફ જ્યાં પનામા નહેરને આ સ્થિતિથી આર્થિક ફાયદો થઈ રહ્યો છે, તો બીજી તરફ તે ભૌગોલિક રાજકીય તણાવનો શિકાર પણ બની રહ્યું છે. તાજેતરમાં પનામાના વિદેશ મંત્રાલયે ઈરાન પર આરોપ લગાવ્યો છે કે તેમણે હોર્મુઝમાં પનામાના ધ્વજવાળા એક ઈટાલિયન જહાજને ગેરકાયદેસર રીતે જપ્ત કર્યું છે. આ ઘટના પનામાની આંતરરાષ્ટ્રીય શિપિંગમાં ચિંતા જગાવી રહી છે, કારણ કે વેપાર માર્ગો પરનું આ સંકટ હવે સીધું તેમના જહાજો સુધી પહોંચી ગયું છે.
👉 આ સમાચાર વાચો:
IranUS Tensions। ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં થાય