News Continuous Bureau | Mumbai
Palava City Drug Raid। ડોમ્બિવલીની હાઈપ્રોફાઈલ અને આધુનિક ગણાતી પલાવા સિટીમાં મધ્યરાત્રિએ મુંબઈ પરા વિસ્તારની સૌથી મોટી નાર્કોટિક્સ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘ઓપરેશન ગરુડ૩’ અંતર્ગત નવી મુંબઈ અને થાણે પોલીસના સેંકડો જવાનોએ સંયુક્ત રીતે પલાવા સિટીના અનેક રહેણાંક ટાવરો પર એકસાથે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક સાથે સંકળાયેલા ૨૫ વિદેશી નાગરિકોની અટકાયત કરી છે. આ હાઈવોલ્ટેજ ઓપરેશનમાં પોલીસે આ વૈશ્વિક ડ્રગ ગેંગના મુખ્ય સૂત્રધારને પણ દબોચી લીધો છે.
સેંકડો પોલીસ જવાનોએ પલાવા સિટીને ઘેરી લીધી
પોલીસ કમિશનરેટના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, પોલીસને કેન્દ્રીય એજન્સીઓ તરફથી ગુપ્ત માહિતી મળી હતી કે, વિદેશી નાગરિકો પલાવા સિટીના ભાડાના ફ્લેટ્સમાં રહીને મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં કોકેઈન, એમડી અને અન્ય કિંમતી સિન્થેટિક ડ્રગ્સનું મોટું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યા છે. બાતમી મળતા જ બંને ક્ષેત્રની ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમોએ મોડી રાત્રે પલાવા સિટીને ચારેય તરફથી કોર્ડન કરી લીધી હતી અને શંકાસ્પદ ફ્લેટ્સના દરવાજા ખખડાવ્યા હતા.
મુંબઈના ડ્રગ માર્કેટનો ‘કિંગપિન’ જેલભેગો
આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ અને મુંબઈના ડ્રગ માર્કેટમાં ‘કિંગપિન’ તરીકે ઓળખાતા મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે. આ કિંગપિન લાંબા સમયથી ભારતની બહાર બેઠેલા ડ્રગ સપ્લાયર્સ સાથે સીધા સંપર્કમાં હતો અને દરિયાઈ કે એર કાર્ગો માર્ગે આવતા ડ્રગ્સને મુંબઈમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નેટવર્ક સંભાળતો હતો. પકડાયેલા અન્ય ૨૫ વિદેશી નાગરિકોમાંથી મોટાભાગના લોકો પાસે ભારતમાં રહેવા માટેના માન્ય વિઝા કે પાસપોર્ટ પણ નથી અને તેઓ ગેરકાયદેસર રીતે અહીં રહીને ડ્રગ પેડલિંગ કરતા હતા.
કરોડોનું ડ્રગ્સ, લેપટોપ અને ફેક પાસપોર્ટ જપ્ત
સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન પોલીસે શંકાસ્પદ ફ્લેટ્સમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ, લેપટોપ, ડઝનબંધ પ્રિપેઇડ સિમકાર્ડ, ફેક પાસપોર્ટ અને લાખો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. જો કે, ડ્રગ્સના ચોક્કસ વજન અને કિંમત અંગે પોલીસ દ્વારા કાનૂની પંચનામું અને વેરિફિકેશન હજી પણ ચાલુ છે. આ મેગા ક્રેકડાઉન બાદ ડોમ્બિવલી અને કલ્યાણ પરિસરમાં વિદેશી નાગરિકોને વગર વેરિફિકેશને ફ્લેટ ભાડે આપનારા મકાનમાલિકો સામે પણ પોલીસ કડક કાનૂની ગાળિયો કસવાની તૈયારી કરી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Crime Branch Arrest। મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો CSMT નજીકથી વિદેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ૩ આંતરરાજ્ય તસ્કર ઝડપાયા