News Continuous Bureau | Mumbai
Rohit Sharma Padma Shri Award। ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્માના ચાહકો માટે સોમવારનો દિવસ થોડો આશ્ચર્ય અને ચિંતાનો રહ્યો હતો. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘પદ્મ પુરસ્કાર સમારોહ’માં રોહિત શર્મા હાજર રહી શક્યો ન હતો. ચાલુ વર્ષની શરૂઆતમાં જ રોહિત શર્માની દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ‘પદ્મશ્રી’ (Padma Shri) એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારોહમાં રોહિત કેમ ન પહોંચ્યો તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા અને ઉત્સુકતા જાગી છે.
રોહિત શર્મા એવોર્ડથી વંચિત નહીં રહે
પદ્મ પુરસ્કાર સોહળામાં હાજર ન રહેવા છતાં રોહિત શર્માના ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે, તે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી વંચિત રહ્યો નથી. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન અલગ-અલગ તબક્કામાં (ફેઝ) કરવામાં આવતું હોય છે. રમતવીરોના શિડ્યુલ, તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસો અને સરકારી આયોજનને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવાય છે. પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં રોહિત ગેરહાજર રહ્યો હોવાથી હવે આગામી બીજા તબક્કાના સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેને સત્તાવાર રીતે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ટી20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનનું અદભુત યોગદાન
રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ જગતમાં આપેલા અદભુત અને અભૂતપૂર્વ યોગદાનની કદરરૂપે જ સરકાર દ્વારા આ સર્વોચ્ચ સન્માન માટે તેની પસંદગી કરવામાં આવી છે. રોહિતની શાનદાર કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વૈશ્વિક સ્તરે દેશનો તિરંગો ગર્વથી ફેલાવ્યો છે. રોહિત શર્માના જ નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ ૨૦૨૪ માં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) નું ટાઈટલ જીતીને કરોડો દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું અને આઈસીસી ટ્રોફીનો દુકાળ ખતમ કર્યો હતો.
હરમનપ્રીત કૌર અને સવિતા પુનિયા સહિતના દિગ્ગજોનું સન્માન
દિલ્હીમાં યોજાયેલા આ ભવ્ય પદ્મ પુરસ્કાર સમારોહમાં માત્ર રોહિત શર્મા જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનારી અન્ય ઘણી હસ્તીઓનું પણ ‘પદ્મશ્રી’ એવોર્ડ આપીને ગૌરવ કરવામાં આવ્યું હતું. આ યાદીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ભારતીય મહિલા હોકી ટીમની સ્ટાર ગોલકીપર સવિતા પુનિયા અને પેરા એથ્લેટ પ્રવીણ કુમાર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓએ રાષ્ટ્રપતિના હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકાર્યો હતો.
👉 આ સમાચાર વાચો:
PM Modi Norway Visit 2026। પીએમ મોદીને પ્રશ્ન પૂછનાર વિદેશી મહિલા પત્રકાર મુશ્કેલીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ