News Continuous Bureau | Mumbai
Taapsee Pannu। બોલિવૂડની લોકપ્રિય અને પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરતી રહે છે. તાજેતરમાં જ, અભિનેત્રીએ મહિલાઓમાં વધી રહેલા બોડી ઈમેજ ના ક્રેઝ અને ઝીરો ફિગર મેળવવાના દબાણ વિશે ખુલીને વાત કરી છે. તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પોતાના જીવનના એક એવા મુશ્કેલ તબક્કાને યાદ કર્યો, જ્યારે તે સ્લિમફિટ અને સપાટ પેટ મેળવવાના જુનૂનમાં પોતાને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ હેરાન કરી ચૂકી હતી. આ કડવા અનુભવમાંથી શીખ લઈને તેણે તમામ છોકરીઓને સોશિયલ મીડિયાની નકલી સુંદરતા પાછળ ન દોડવાની સલાહ આપી છે.
લોઅર બેલી ફેટ ઘટાડવાના ચક્કરમાં હદથી વધુ કરી કસરત
તાપસી પન્નુએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું કે, “મને યાદ છે કે મને સપાટ પેટ મેળવવાનો એક અજીબ ક્રેઝ હતો, કારણ કે નાનપણથી જ હું ઘણી ફિટ હતી. પરંતુ મને ક્યારેય એ સમજાતું નહોતું કે મારા પેટના નીચેના ભાગમાં થોડી ચરબી કેમ હંમેશા જળવાઈ રહેતી હતી. તેને ઓછી કરવા માટે મેં એટલી બધી હેવી એક્સરસાઇઝ અને વર્કઆઉટ કર્યું કે મેં મારા શરીરને હદ બહાર થકવી નાખ્યું.” તાપસીના મતે, જ્યારે તમે શરીરને તેની ક્ષમતા કરતાં વધુ થકવો છો, ત્યારે મગજમાં એક ખતરાની ઘંટડી વાગે છે અને શરીર પોતાને બચાવવા માટે પાણીને બહાર કાઢવાને બદલે તેને અંદર જમા કરવાનું શરૂ કરી દે છે, જેનાથી પેટ વધુ ફૂલેલું દેખાય છે.
દરેક સ્ત્રીનું શરીર અલગ હોય છે, ન્યુટ્રિશનિસ્ટે સમજાવ્યું પેટના નીચેના ભાગમાં ચરબી હોવાનું સાચું કારણ
અભિનેત્રીએ આગળ સમજાવ્યું કે, ખૂબ હેરાન થયા પછી તેને આ વાત ઘણી મોડી સમજાઈ કે દરેક મહિલાના શરીરનું બંધારણ અલગ-અલગ હોય છે અને આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. તે કહે છે કે મહિનાના કેટલાક દિવસો એવા હોય છે જ્યારે હોર્મોન્સના લીધે પેટ થોડું ફૂલેલું દેખાય છે, જે એકદમ સામાન્ય બાબત છે. તાપસીએ જણાવ્યું કે, “જ્યારે મેં મારા ન્યુટ્રિશનિસ્ટ (આહાર નિષ્ણાત) ની સલાહ લીધી, ત્યારે તેમણે મને વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું કે સ્ત્રીના પેટના નીચલા ભાગમાં થોડી ચરબી અને પાણીનું પ્રમાણ હોવું વાસ્તવમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાં મહિલાઓના મુખ્ય પ્રજનન અંગો આવેલા હોય છે, જેમને સુરક્ષાની જરૂર હોય છે.”
ઇન્સ્ટાગ્રામ ના ‘પરફેક્ટ ફોટોઝ’ પાછળ પાગલ ન બનો’
પોતાની પોસ્ટના અંતમાં તાપસીએ યુવતીઓને સખત અપીલ કરતા કહ્યું કે, માત્ર ઇન્સ્ટાગ્રામ પર પરફેક્ટ અને આકર્ષક દેખાતા ફોટોઝ કે રીલ્સ પોસ્ટ કરવા માટે કૃપા કરીને તમારા સ્વાસ્થ્ય સાથે રમત ન રમો અને ક્રેશ ડાયટિંગ કે હેવી વર્કઆઉટથી શરીરને કષ્ટ ન આપો. પેટના નીચેના ભાગમાં થોડો ઉભાર હોવો એ એક સ્વસ્થ મહિલાની નિશાની છે. તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘અસ્સી’ (Assi) માં જોવા મળી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યો કમાલ કરી શકી નહોતી અને ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ હાલમાં તાપસી તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ અને આવી સોશિયલ અવેરનેસ પોસ્ટના કારણે ચર્ચામાં છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai BMC Water Pipeline Burst Borivali। મુંબઈના બોરીવલીમાં મુખ્ય વોટર પાઈપલાઈન ફાટી, હવામાં ઉડ્યા પાણીના પ્રચંડ ફુવારા; હજારો લીટર પાણીનો વેડફાટ