Raakh Trailer Out| દિલ્હીને હચમચાવનારા ‘રંગાબિલ્લા’ કાંડ પર આવી રહી છે વેબ સિરીઝ; ‘રાખ’નું ટ્રેલર જોઈ ઉડી જશે હોશ!

Raakh Trailer Out| ૧૯૭૦ ના દાયકાના ઘાતકી અપહરણ અને હત્યાકાંડની ખૌફનાક કહાની પ્રાઇમ વિડિયો પર ૧૨ જૂને રિલીઝ થશે ક્રાઇમ થ્રિલર; સોનાલી બેન્દ્રે પીડિત માતાના રોલમાં ભાવુક કરશે.

by Zalak Parikh
Raakh Trailer Out| દિલ્હીને હચમચાવનારા ‘રંગાબિલ્લા’ કાંડ પર આવી રહી છે વેબ સિરીઝ; 'રાખ'નું ટ્રેલર જોઈ ઉડી જશે હોશ!

 

News Continuous Bureau | Mumbai

Raakh Trailer Out| ૧૯૭૮ માં દેશની રાજધાની દિલ્હીને હચમચાવી મૂકનારા ચકચારી અને કુખ્યાત ‘ગીતા અને સંજય ચોપરા અપહરણહત્યાકાંડ’ એટલે કે ‘રંગાબિલ્લા કેસ’ પરથી પ્રેરિત નવી વેબ સિરીઝ ‘રાખ’ નું હૃદયદ્રાવક ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રાઇમ ઓરિજિનલની આ ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ થ્રિલર સિરીઝનું અઢી મિનિટનું ટ્રેલર દર્શકોમાં ધ્રુજારી અને રુંવાડા ઉભા કરી દે તેવું છે. આ સિરીઝ ૧૯૭૦ ના દાયકાના દિલ્હીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં બે નિર્દોષ બાળકો રેડિયો પ્રોગ્રામમાં ભાગ લેવા નીકળે છે અને અચાનક ગુમ થઈ જાય છે. આ મામલાની તપાસ એક પ્રામાણિક પોલીસ ઓફિસરને સોંપવામાં આવે છે, જે ક્રૂર ગુનેગારોની માનસિકતાનો પર્દાફાશ કરે છે.

૧૯૭૮ નો ઐતિહાસિક ગીતા-સંજય ચોપરા હત્યાકાંડ, જેણે આખા દેશનો ભરોસો તોડી નાખ્યો હતો

વાસ્તવિક ઘટનાની વાત કરીએ તો, ૨૬ ઓગસ્ટ ૧૯૭૮ ના રોજ ભારતીય નૌકાદળના સિનિયર કેપ્ટનના બે બાળકો, ૧૬ વર્ષની ગીતા અને ૯ વર્ષનો સંજય રેડિયો કાર્યક્રમમાં ભાગ લેવા ઘરની બહાર નીકળ્યા હતા અને લિફ્ટ માંગવાના ચક્કરમાં કુખ્યાત ગુનેગારો કુલજીત સિંઘ (રંગા) અને જસબીર સિંઘ (બિલ્લા) ની ફિએટ કારમાં બેસી ગયા હતા. ગુનેગારોએ મોટી ખંડણી વસૂલવા માટે તેમનું અપહરણ કર્યું હતું, પરંતુ જ્યારે ખબર પડી કે પિતા નેવી ઓફિસર છે અને મોટી રકમ નહીં મળે, ત્યારે તેમણે માસૂમ બાળકોને અમાનુષી ટોર્ચર કરીને મોતને ઘાત ઉતાર્યા હતા. આ ઘટનાથી આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લાંબી કાનૂની લડાઈ બાદ ફોરેન્સિક પુરાવાઓના આધારે ૩૧ જાન્યુઆરી ૧૯૮૨ ના રોજ તિહાર જેલમાં રંગા-બિલ્લાને ફાંસી આપવામાં આવી હતી.

સબ-ઇન્સ્પેક્ટરના રોલમાં અલી ફઝલ અને પીડિત માતાના પાત્રમાં સોનાલી બેન્દ્રેનો દમદાર અભિનય

આ વેબ સિરીઝમાં અભિનેતા અલી ફઝલ સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ જાટવના મુખ્ય રોલમાં જોવા મળશે, જે ગુનેગારોની બીમાર અને વિકૃત માનસિકતાના દલદલ સુધી પહોંચીને કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, લાંબા સમય બાદ કમબેક કરી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે એ આ સિરીઝમાં પીડિત માતા ‘મોના અરોડા’ નું અત્યંત ભાવુક અને સંવેદનશીલ પાત્ર ભજવ્યું છે, જેના બે માસૂમ બાળકો સાહિલ અને સુમન અચાનક ગાયબ થઈ જાય છે. ટ્રેલરના અંતમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે આખી પોલીસ ફોર્સ આરોપીઓની પાછળ હતી, ત્યારે તેઓ તાજમહેલ પાસે બેસીને પોલીસ તંત્રની મજાક ઉડાવી રહ્યા હતા.

પ્રોસિત રોયના નિર્દેશનમાં બનેલી ‘રાખ’ ૧૨ જૂને થશે રિલીઝ, અલી-સોનાલીએ શેર કર્યો અનુભવ

ડિરેક્ટર પ્રોસિત રોયના નિર્દેશનમાં બનેલી આ સિરીઝનું લેખન અને સહ-નિર્માણ અનુષા નંદકુમાર અને સંદીપ સાકેતે કર્યું છે. સિરીઝમાં રાકેશ બેદી, આમિર બશીર અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. અભિનેતા અલી ફઝલે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય સસ્પેન્સ થ્રિલર નથી પરંતુ માનવીય લાગણીઓ અને કડવા સત્યની ખૂબ નજીક છે. સોનાલી બેન્દ્રેએ પણ સ્ક્રિપ્ટના વખાણ કરતા કહ્યું કે આ વાર્તા માનવીય જઝબાતોને ખૂબ જ ગંભીરતાથી સામે લાવે છે. આ મોસ્ટ અવેટેડ ક્રાઇમ થ્રિલર સીરીઝ ૧૨ જૂન ૨૦૨૬ ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર વૈશ્વિક સ્તરે રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.

👉 આ સમાચાર વાચો:
Welcome To The Jungle Movie Songs। અક્ષય કુમારના સુપરહિટ ગીતની રીમેક સામે વાંધો; સોશિયલ મીડિયા પર કેટરિનાના ફેન્સે મચાવી બૂમરાણ ’

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More