News Continuous Bureau | Mumbai
Mumbai Crime। બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવીના ટંડનના પરિવાર સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની ચોરી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો મુંબઈના પોશ ગણાતા જુહુ વિસ્તારમાં સામે આવ્યો છે. ટંડન પરિવારમાં છેલ્લા ૬ વર્ષથી કામ કરતી અને પરિવારના સભ્ય જેવો જ દરજ્જો મેળવી ચૂકેલી એક ૪૭ વર્ષીય મહિલાએ ઘરમાં રાખેલી તિજોરી (લોકર) નું તાળું તોડીને આશરે ₹૨૫ લાખની કિંમતના સોનાહીરાના દાગીના અને મોંઘી ઘડિયાળો પર હાથ સાફ કર્યો હતો. જુહુ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
અભિનેત્રીની 86 વર્ષીય વૃદ્ધ માતાની દેખભાળના બહાને જીત્યો હતો પરિવારનો વિશ્વાસ
જુહુ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, ધરપકડ કરાયેલી શંકાસ્પદ આરોપી મહિલા વર્ષ ૨૦૦૦ થી ટંડન પરિવાર સાથે જોડાયેલી હતી. તે રવીના ટંડનના જુહુ ખાતે આવેલા પિયરના નિવાસસ્થાને નિયમિતપણે આવતી-જતી હતી અને રવીનાની ૮૬ વર્ષીય વૃદ્ધ માતા વીણા ટંડનની દેખભાળ રાખવાનું કામ કરતી હતી. ૬ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેણે પરિવારનો એટલો બધો વિશ્વાસ જીતી લીધો હતો કે તેને ઘરના એવા અંગત રૂમ અને વિસ્તારોમાં પણ જવાની છૂટ હતી જ્યાં માત્ર પરિવારના સભ્યો જ જઈ શકતા હતા.
તહેવારના દિવસે પૂજા માટે દાગીના લેવા જતાં લોકર તૂટેલું મળ્યું, રાજીવ ટંડને નોંધાવી ફરિયાદ
રવીના ટંડનના ભાઈ અને જાણીતા ફિલ્મ નિર્માતા રાજીવ ટંડન દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આ ચોરીનો ખુલાસો ત્યારે થયો જયારે, તહેવારના દિવસે પરિવાર પૂજા અને પહેરવા માટે પોતાના દાગીના લેવા લોકર પાસે ગયો, લોકરનું તાળું તૂટેલું જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. તપાસ કરતાં લોકરમાંથી સોનાના કંગન, સોનાનો હાર, વીંટીઓ, કાનની બુટ્ટીઓ, હીરા જડિત મંગળસૂત્ર અને અન્ય હીરાના કિંમતી દાગીના ગાયબ હતા. આ સિવાય રાજીવ ટંડનની બે અત્યંત મોંઘી કાંડા ઘડિયાળો પણ ચોરાઈ ગઈ હતી. આ તમામ મુદ્દામાલની કિંમત ૨૫ લાખ આંકવામાં આવી છે.
શરૂઆતમાં ચોરી નકારીને ખોટી વાર્તા બનાવી, પોલીસે કડક પૂછપરછ કરીને મુદ્દામાલ રિકવર કર્યો
જ્યારે દાગીના ગાયબ હોવાની ખબર પડી ત્યારે પરિવારે સૌથી પહેલાં આરોપી મહિલા ની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તેણે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. બાદમાં તેણે પરિવારને ગુમરાહ કરવા માટે એવી ખોટી વાર્તા બનાવી કે આ દાગીના તેણે અન્ય એક વ્યક્તિને આપ્યા છે અને તે ટૂંક સમયમાં જ પાછા આપી દેશે. જો કે, લાંબો સમય વીતી જવા છતાં જ્યારે કિંમતી સામાન પાછો ન મળ્યો, ત્યારે છેતરાયા હોવાનું સમજાતાં રાજીવ ટંડને જુહુ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જુહુ પોલીસે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે અને મોંઘી ઘડિયાળો રિકવર કરી લીધી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો