News Continuous Bureau | Mumbai
Dhurandhar Cast Fees| બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર આદિત્ય ધરની જોડીએ ફિલ્મ ‘ધુરંધર’ અને તેના સીક્વલ ભાગ દ્વારા બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મો અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ દરમિયાન ફિલ્મની કોપ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડેએ ફિલ્મના બજેટ, ખર્ચ અને કમાણીને લઈને એક અત્યંત ચોંકાવનારો અને રસપ્રદ ખુલાસો કર્યો છે કે રણવીર સિંહે આ ફિલ્મ માટે પોતાની નિયમિત મોટી એડવાન્સ ફી લીધી ન હતી.
વધતા પ્રોડક્શન ખર્ચને મેનેજ કરવા માટે મેકર્સ અને રણવીરે અપનાવ્યો ‘બેકએન્ડ ડીલ’ મોડલ
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મની સહ-નિર્માતા જ્યોતિ દેશપાંડેએ વધતા જતા પ્રોડક્શન ખર્ચને મેનેજ કરવા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે મેકર્સે આ ફિલ્મ માટે એક ખાસ રિસ્ક-શેરિંગ મોડલ તૈયાર કર્યું હતું. જ્યોતિના જણાવ્યા અનુસાર, “ધુરંધર ફિલ્મમાં રણવીર સિંહે ખૂબ જ ઓછી ફિક્સ્ડ ફી લીધી હતી અને તેની જગ્યાએ એક બેકએન્ડ ડીલ (પ્રોફિટ શેરિંગ) કરી હતી. આ જ મોડલ ડાયરેક્ટર આદિત્ય ધર સાથે પણ અપનાવાયું હતું. અંતે જ્યારે ફિલ્મ સુપરહિટ રહી ત્યારે અમારા મેકર્સની સાથે-સાથે રણવીર અને આદિત્યને પણ આ ડીલથી અસાધારણ આર્થિક ફાયદો થયો હતો.”
એડવાન્સ પેમેન્ટના બદલે ફિલ્મની સફળતા પર દાવ લગાવ્યો, બજેટ કરતા બમણો ખર્ચ થયો હતો
જ્યોતિ દેશપાંડેએ વધુમાં ઉમેર્યું કે આ બિઝનેસ મોડલે એ વાત સુનિશ્ચિત કરી કે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માત્ર મોટી એડવાન્સ પેમેન્ટ પર નિર્ભર રહેવાના બદલે ફિલ્મની સફળતા માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપે. તેમણે સ્વીકાર્યું કે ‘ધુરંધર’ માટે મેકર્સે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. ફિલ્મ માટે જેટલું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું તેના કરતાં બે ગણો વધુ ખર્ચ થયો હતો. જો કે, અંતે તેમની પાસે બે ભાગની એક શાનદાર ફિલ્મ તૈયાર થઈ હતી, જે લાંબી અને પડકારજનક સફર સાબિત થઈ પરંતુ બોક્સ ઓફિસના કલેક્શનના લીધે અંતે આખી ટીમ માલામાલ થઈ ગઈ હતી.
‘ધુરંધર’ ના બંને ભાગોએ વૈશ્વિક સ્તરે કરી ૩૦૦૦ કરોડથી વધુની કમાણી, સ્ટાર કાસ્ટ સુપરહિટ
આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જ્યારે તેનો બીજો ભાગ ‘ધુરંધર ૨’ ચાલુ વર્ષે ૧૯ માર્ચના રોજ રિલીઝ થયો હતો. આ બંને ફિલ્મોમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને દાનિશ પંડોર જેવા દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. કમાણીના આંકડા જોઈએ તો, પહેલી ફિલ્મે વિશ્વભરમાં ૧,૩૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે તેના સીક્વલે બોક્સ ઓફિસ પર ૧,૭૯૦ કરોડ રૂપિયાથી વધુની ઐતિહાસિક કમાણી કરી છે, જેના લીધે આખી ફ્રેન્ચાઈઝી ૩,૦૦૦ કરોડને પાર પહોંચી ગઈ છે.
👉 આ સમાચાર વાચો:
FWICE On Ranveer Singh| રણવીર સિંહને મોટી રાહત FWICE દ્વારા અસહકારનો આદેશ પાછો ખેંચાયો, ‘ડોન ૩’ વિવાદનો અંત?