News Continuous Bureau | Mumbai
US War Powers Resolution| અમેરિકાની સંસદ (યુએસ કોંગ્રેસ) એ ઈરાન વિરૂદ્ધ ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી અને હુમલાઓને રોકવા માટે એક ઐતિહાસિક ‘વોર પાવર્સ પ્રસ્તાવ ને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની સત્તાવાર નીતિનો વિરોધ કરીને સત્તાધારી પક્ષના કેટલાક રિપબ્લિકન સાંસદોએ વિપક્ષી ડેમોક્રેટ સાંસદો સાથે હાથ મિલાવ્યા છે. આ સાંસદોએ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા એવા યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેણે અમેરિકા સહિત સમગ્ર વિશ્વના રાજકારણ અને અર્થતંત્રની દિશા બદલી નાખી છે. સંસદના સ્પીકર માઈક જોન્સને અગાઉ આ પ્રસ્તાવ પર મતદાન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધતા જતા આંતરિક અસંતોષ વચ્ચે આખરે બુધવારે ગૃહમાં આ ખરડો પસાર થઈ ગયો હતો.
મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ મત પડ્યા
અમેરિકી સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં થયેલા આ મહત્વપૂર્ણ મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરોધમાં ૨૦૮ મત પડ્યા હતા. ન્યૂયોર્કના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ અવિચારી અને અતિશય ખર્ચાળ યુદ્ધ આજે જ સમાપ્ત થવું જોઈએ. આ યુદ્ધના કારણે અમેરિકાના કરદાતાઓના ૧૦૦ અબજ યુએસ ડોલરથી વધુ રકમનો ધુમાડો થઈ ગયો છે, જેણે ઈરાનની સરખામણીએ આપણા જ દેશને આર્થિક રીતે નબળી સ્થિતિમાં મૂકી દીધો છે.” અગાઉ અમેરિકી સેનેટે પણ રાષ્ટ્રપતિના સૈન્ય હસ્તક્ષેપને મર્યાદિત કરવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં ક્રૂડ ઓઈલ મોંઘું થયું
ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકા સત્તાવાર રીતે ઈઝરાયેલની સાથે સામેલ થયું હતું. ત્યારથી અમેરિકાના સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના લીધે મોંઘવારી બેકાબૂ બની છે. ઈરાન દ્વારા વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરી દેવાતા દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ અને ખાતર જેવા ઉત્પાદનોની ભારે અછત સર્જાઈ છે. જો કે, એપ્રિલ મહિનામાં બંને દેશો વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ ની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ લેબનાનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવના કારણે સ્થિતિ હજુ પણ અનિશ્ચિત બનેલી છે.
બંધારણીય ગૂંચવણ: ટ્રમ્પ વહીવટીતંત્ર સેનેટમાં આ પ્રસ્તાવને રોકવા માટે જોર લગાવશે
આ પ્રસ્તાવ પસાર થવા છતાં યુદ્ધ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય, પરંતુ તે પ્રમુખ ટ્રમ્પની ભવિષ્યની સૈન્ય કાર્યવાહી વિરૂદ્ધ એક મોટો પ્રતીકાત્મક અને રાજકીય ઝટકો છે. હવે આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે સેનેટમાં જશે, જ્યાં વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ આ પ્રસ્તાવ પાસ કરશે તો ઈરાનને લાગશે કે અમેરિકી વહીવટીતંત્રના હાથ બંધાઈ ગયા છે અને તેઓ કોઈ કરાર કરવા તૈયાર નહીં થાય. અમેરિકી બંધારણ મુજબ સંસદ પાસે યુદ્ધની ઘોષણા કરવાનો અધિકાર છે, પરંતુ પ્રમુખ પાસે ‘કમાન્ડર-ઈન-ચીફ’ તરીકે લશ્કરી પગલાં લેવાની સત્તા છે. વોર પાવર્સ એક્ટ હેઠળ વ્હાઇટ હાઉસ પાસે સૈન્ય કાર્યવાહી માટે સંસદની મંજૂરી મેળવવા માટે માત્ર ૬૦ દિવસની સમયસીમા હોય છે, જે પૂરી થઈ રહી છે.
👉 આ સમાચાર વાચો:
Muzaffarpur Hospital Fire| માનવતા મરી પરવારી! હોસ્પિટલમાં આગ લાગતા જ દર્દીઓને તડપતા છોડી ભાગ્યો સ્ટાફ; વાંચો કેવી રીતે બચ્યો લોકોનો જીવ